નકલી દસ્તાવેજોથી CISF માં થયા ભરતી, રાપરના 8 યુવકો સામે ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ રાપર તાલુકાના શાનગઢના નોકરીવાંછુક યુવાનોએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force) માં ભરતી થવા માટે તામિલનાડુના અરક્કોણમ સ્થિત સુરક્ષા કેમ્પસમાં ખોટા ડોમિસાઇલ પ્રમાણપત્ર રજુ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે અંગે સીઆઇએસએફના કંપની કમાન્ડર રાકેશ પી.આર.એ થક્કોણમ પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવ્યા બાદ રાપર પોલીસ મથકે આઠ યુવકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
તામિલનાડુના અરક્કોણમ ખાતે આવેલા સીઆઇએસએફ સુરક્ષા કેમ્પસમાં કંપની કમાન્ડર તરીકે ફરજ બજાવતા રાકેશ પી.આર.એ, થક્કોણમ પોલીસ મથકે દાખલ કરાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર પંથકના શાનગઢના વતની બાબુલાલ ભંવરલાલ શર્મા, લક્ષ હરિસિંહ યાદવ,પ્રદિપકુમાર સુલતાનરામ વર્મા, પંકજ કૈલાશ ચાંદ સૈની, ઉત્તમસિંગ ઉમેદસિંગ રાજપુત અને ક્રિશ વેદપ્રકાશ યાદવ અને અન્ય બે યુવકોની આ પ્રમાણપત્રોના આધારે ૫૦મી બેચમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઇ હતી. તેમને વેલ્લોર જિલ્લામાં આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.
નિયમ અનુસાર આ યુવકોએ રજૂ કરેલા ડોમિસાઇલ પ્રમાણપત્રોની ખરાઇ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કરાવવામાં આવી હતી. અહીં તપાસ દરમ્યાન આ ડોમિસાઇલ સર્ટિફિકેટ મામલતદાર કચેરી દ્વારા જાહેર ન કરાયા હોવાનું બહાર આવતા નોકરી મેળવવા ખોટા પ્રમાણપત્ર રજુ કર્યા હોઇ આઠ યુવકો વિરુદ્ધ તામિલનાડુમાં દાખલ કરવામાં આવેલી ઝીરો નંબરની ફરિયાદના આધારે રાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.



