હવે કચ્છની કુંજોને મળશે વૈશ્વિક ઓળખ: ‘છારી-ઢંઢ’ બન્યું આંતરરાષ્ટ્રીય મહત્વનું વેટલેન્ડ

ભુજ: કચ્છના ગૌરવમાં વધારો થયો છે, કારણ કે બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવી છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે.
રાજ્યમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે.

તેમણે કહ્યું કે,કચ્છના ઇકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે.
ગુજરાતમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા પક્ષી અભયારણ્યો રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો, ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલાં છે. ઉપરાંત, રાજ્યમાં ૧૯ વેટલેન્ડ્સ એવા છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા વિસ્તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન પૂરૂં પાડે છે.
કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર (૨૨,૭૦૦ હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ ૨૦૦૮ માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
છારી-ઢંઢ ખાતે પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા કોમન ક્રેન (કુંજ),મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો (હંજ) તેમજ સારસ પણ અહીં જોવા મળે છે.
આ ઉપરાંત, અહીં લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક-નેક્ડ સ્ટોર્ક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ આ વિસ્તાર ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (કેરેકલ), રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્વનું આશ્રયસ્થાન છે.



