આશાપુરી ધૂપની મહેક વચ્ચે માતાના મઢમાં હવનનું બીડુ હોમાયાની સાથે ચૈત્રી નવરાત્રી સંપન્ન

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ અને ભુજના આશાપુરા મંદિર ખાતે આ વખતે ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન શ્રદ્ધાળુઓનું ગોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે સાતમના નોરતાની મોડી રાત્રે પરંપરાગત વિધિ-વિધાન વચ્ચે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હવનમાં બીડું હોમવાની સાથે ચૈત્રી નવરાત્રી પર્વનું રંગેચંગે સમાપન થયું હતું.
રાત્રે ૧૦ વાગ્યે માં જગદંબાના પૂજન સાથે હોમ-હવનની વિધિનો પ્રારંભ થયો હતો. ઐતિહાસિક મંદિર પરિસરની યજ્ઞશાળામાં આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ મૂલશંકર વાસુ અને અન્ય ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કરાવ્યું હતું. મોડી રાત્રે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઢોલ-શરણાઈના સૂરો સાથે બીડું હોમવામાં આવ્યું હતું.
આપણવાંચો: ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ, માતૃ મૃત્યુ દરમા 50 ટકાનો ઘટાડો
જાગીર અધ્યક્ષે આશાપુરા માતાજી અને હિંગલાજ માતાજીના મંદિરમાં પૂજન-અર્ચન કરી આરતી ઉતારી હતી. આ પાવન પ્રસંગે માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી, ચત્રભુજ ભાનુશાલી, કનૈયાલાલ ભાનુશાલી અને મયુરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. આશાપુરી ધૂપની મહેક વચ્ચે શ્રધ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવપુર્વક પવિત્ર હવન વિધિમાં જોડાઇ માઁ આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા.