ભ્રષ્ટાચારી અધિકારી પર CBI કોર્ટની લાલ આંખ: કંડલા સેઝના ઓફિસરને ૫ વર્ષની કેદ અને રૂ. 93 લાખનો જંગી દંડ

આરોપી અધિકારીની પત્નીને પણ એક વર્ષનો સખ્ત કારાવાસ અને રૂ.૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ પોતાની વાસ્તવિક આવક કરતાં વધારે અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાના ગંભીર કેસમાં અમદાવાદ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના તત્કાલીન પ્રિવેન્ટિવ ઓફિસર તથા ભાવનગર સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગના પૂર્વ ઇન્સ્પેક્ટર કૌશિક અનંતરાય કારેલીયાને, સીબીઆઈ સ્પેશિયલ જજ ડી.જી. રાણા દ્વારા પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૯૩ લાખના દંડની સજા ફટકારી છે અને તેની ધર્મપત્ની પૂજા કારેલીયાને પણ એક વર્ષની કેદ અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
નામદાર કોર્ટે ભ્રસ્ટાચારના આ કેસના અવલોકનમાં જણાવ્યું હતું કે, જાહેર સેવકને રાજ્ય દ્વારા સોંપવામાં આવેલી સત્તા સાથે સત્યનિષ્ઠા, આત્મસંયમ અને પ્રમાણિકતા જેવી મૂલ્યો જોડાયેલા હોય છે. જો જાહેર સેવક આ મૂલ્યોથી ભટકે છે તો તે માત્ર વ્યક્તિગત ચરિત્ર નહીં પરંતુ જાહેર વિશ્વાસ અને શાસન વ્યવસ્થાના પાયાને ગંભીર નુકસાન પહોંચાડે છે. ગીતાના ૧૯મા અધ્યાયનો સંદર્ભ આપતાં અવલોકનમાં વધુમાં જણાવ્યું હતું કે, જાહેર સેવકનું વર્તન સમાજ માટે નૈતિક દિશાસૂચક બનવું જોઈએ. અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવી માત્ર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો જ નથી, પરંતુ તે બંધારણીય મૂલ્યો અને આર્થિક ન્યાય સામે ગંભીર ખતરા સમાન છે.
ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જાહેર સેવા પસંદ કરનાર વ્યક્તિએ કાયદેસર મળતા મહેનતાણાં સિવાય પોતાની માનસિકતા વ્યક્તિગત સંપત્તિ સંગ્રહ નહીં પરંતુ સમાજની સેવા તરફ કેન્દ્રિત રાખવી જોઈએ. લોભ અને લાલચથી પ્રેરિત જાહેર સેવક રાજ્ય કે જનતાની અસરકારક રીતે સેવા કરી શકતો નથી.
કેસના ટ્રાયલ દરમિયાન સીબીઆઈના સ્પેશિયલ કાઉન્સેલ ગીરીશ નારાયણ પાંડેએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, આરોપી કૌશિક કારેલીયા કંડલા સેઝના કસ્ટમ્સ અપેઝર-પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે તેમજ ભાવનગર સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી ૧૮૩ ટકા જેટલી અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ બાબતે સીબીઆઈ દ્વારા તા. ૨૦-૦૩-૨૦૧૩ના રોજ ગુનો નોંધાવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ દલીલ કરી હતી કે, આ પ્રકારના ગુનાઓ સમાજમાં જાહેર સેવકના હોદ્દાને ના શોભે એવો ખોટો સંદેશો ફેલાવે છે. સમાજમાં ભ્રષ્ટાચારના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કોર્ટએ દાખલારૂપ સજા ફટકારવી જરૂરી હોવાનું માની સીબીઆઈની દલીલો માન્ય રાખી ભ્રષ્ટ આરોપીઓને કાયદા મુજબ કડક સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.


