ભચાઉ પાસે અકસ્માત બાદ ધગધગતા અગનગોળામાં પરિવર્તિત થઈ કાર, બે લોકોનાં મોત

ભુજઃ કચ્છના ભચાઉ ખાતેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જાણે કાળ સવાર થયો હોય તેમ એક સાથે ચાર વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ, બુકડો બોલી ગયેલી કારમાં બ્લાસ્ટ બાદ વાહનોમાં આગ લાગી હતી. જેમાં એક વર્ષનું માસુમ બાળક અને એક ટ્રેઇલર ચાલકના જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજ્યાં હતાં,વ્હાલસોયા બાળકના મોતથી બેખબર ગંભીર રીતે ઘાયલ દંપતીને સારવાર તળે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
કેવી રીતે બની ઘટના
આ ગોઝારા અકસ્માત અંગે ભચાઉ પોલીસ અને ફાયર શાખા પાસેથી મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, રવિવારે મોડી રાત્રે ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે એક ટાટા નેનો કાર અને આઇસર ટેમ્પોની સામસામી ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. કારમાં ફસાઈ ગયેલાં દંપતીનું બાળક વિકરાળ આગમાં જીવતું ભૂંજાઈ ગયું હતું જયારે બ્લાસ્ટ બાદ અગનગોળો બની ગયેલાં આઇસર ટ્રેઇલરના ચાલકનું પણ જીવતા ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં તેમના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતગ્રસ્ત વાહનોની પાછળ અન્ય બે ભારે વાહનો પણ ટકરાઈ ગયાં હતાં, જો કે સમયસર વાહનોને દૂર લઇ જવાતાં જાનહાની ટળી હતી.
ભયાનક સડક દુર્ઘટનાની જાણ થયે ભચાઉ ફાયર ફાઈટરોની ટુકડી, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો સતત મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ગંભીર રીતે દાઝેલા દંપતીને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને ભચાઉ પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક ખોરવાયો હતો.
આ પણ વાંચો…ઈન્ડોનેશિયામાં ગમખ્વાર રોડ અકસ્માત, 16 લોકોના મોત 18 ઘાયલ



