ગાંધીધામ પાલિકાએ વધુ 51 અતિક્રમણને જમીનદોસ્ત: જમીનો પચાવનારામાં ફફડાટ | મુંબઈ સમાચાર
ભુજ

ગાંધીધામ પાલિકાએ વધુ 51 અતિક્રમણને જમીનદોસ્ત: જમીનો પચાવનારામાં ફફડાટ

ભુજઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામોની યાદી તૈયાર કરીને આવા દબાણોને જમીનદોસ્ત કરી દેવા મેગા ડિમોલિશન સમયાંતરે હાથ ધરવામાં આવી રહ્યાં છે.

દિવાળી પર્વના કાઉન્ટડાઉન વચ્ચે અબડાસાનાં મોથાળા ગામના કનકાવતી ડેમના વહેણ વિસ્તારમાં સ્થિત ૨૩,૪૦૦ ચોરસ મીટર જેટલી વનતંત્રની જમીન પર નુંધાતડના ગુનેગાર દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર આંબાની ખેતી રૂપી દબાણ પર સરકારી બુલડોઝર ફેરવી દેવાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

નલિયા વનતંત્રના આર.એફ.ઓ. અજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નુંધાતડના દાઉદ ફકીરમામદ પઢિયાર દ્વારા મોથાળા સીમ વિસ્તારમાં રૂા.૪૭.૬૮ લાખની વનતંત્રની જમીન ઉપર ગેરકાયદે તાર ફેન્સિંગ કરી ખેતી આંબાની ખેતી કરવામાં આવી હતી જેને ખાલી કરાવવામાં આવી હતી.

આપણ વાંચો: ધારાવીના ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીનું બુલડોઝર

વહીવટી તંત્ર દ્વારા વન વિભાગની ટીમ, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમ જ નલિયા પોલીસની હાજરીમાં દબાણવાળી જમીન પર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તા દાઉદ સામે નલિયા અને કોઠારા પોલીસ મથકોમાં અલગ-અલગ છ જેટલા ગુના નોંધાયા હોવાનું નલિયા વિસ્તારના પી.આઇ. બી.એમ. ઝાલાએ ઉમેર્યું હતું.

બીજી તરફ, કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા છેડવામાં આવેલી દબાણ હટાઓ ઝુંબેશને ટૂંકા અંતરાલ બાદ ફરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને સી. જે. શાહ પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર નડતરરૂપ ૫૧ જેટલા દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં છે.

આપણ વાંચો: ગેરકાયદેસર બાંધકામને કારણે દિવાલ ધરતી પરતા માતા પુત્રના મૃત્યુ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરુવાણીની સૂચના અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી લઈને પેટ્રોલ પંપ સુધીના વિસ્તારોના દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજની હાજરીમાં ૫૧થી વધુ પાકાં દબાણો તોડી પાડયાં હતાં તેમ મહાનગરપાલિકાનાં દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશીએ જણાવ્યું હતું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button