કચ્છમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત, ગાંધીધામ-રાપર-મુંદરામાં તસ્કરોએ 5 લાખની મતા પર હાથ સાફ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છને બાનમાં લેનારી તસ્કર ટોળકીનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ ગાંધીધામ, રાપર અને મુંદરા વિસ્તારમાં સામુહિક તસ્કરીના બનાવો બહાર આવતાં નાગરિકો ભયભીત બન્યા છે.
ગાંધીધામના વોર્ડ નંબર ૭-સી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં નિંદ્રાધીન પરિવારની હાજરી વચ્ચે પાછલે બારણેથી ઘુસી આવેલા તસ્કરે કબાટમાંથી રોકડ રૂા.૬૫,૦૦૦ની તફડંચી કરી હતી. જયારે સીમાવર્તી રાપર તાલુકાના ફતેહગઢ ગામની મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનમાંથી રૂા.૭૯,૮૦૦ના દાગીનાની ચોરી કરી, કેનાલ પાસે પાર્ક થયેલી એક મોટરસાઈકલને પણ તસ્કરો હંકારી ગયા હતા. આ ઉપરાંત બંદરીય મુંદરાના નાના કપાયા ખાતે એક વાડામાં રાખવામાં આવેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ૨૪ કિ.મી. લંબાઈના રૂા. ત્રણ લાખથી વધુની કિંમતના વાયરો તસ્કરો દ્વારા ઉઠાવી જવાયા હતા.
ગાંધીધામના વોર્ડ ૭-સીમાં પ્લોટનંબર બાવનમાં રહેતા અને ઓસ્લો-જી.આઇ.ડી.સી.માં અબ્બાસ ટિમ્બર ચલાવતા હુજેફા કુરબાન હુસેન લાકડાવાલાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત તા.૧૬-અને ૧૭-૧૨ના રોજ તેઓ ધંધાના કામસર અમદાવાદ ગયા હતા. પરિવારના અન્ય સભ્યો ઘરે હાજર હતા. અમદાવાદથી પરત આવીને બેડરૂમના ડ્રોવરમાં જોતાં રૂ.૬૫૦૦૦ ગાયબ જણાયા હતા. પૂછપરછ કરતાં પરિવારે અજાણતા દર્શાવતાં પાડોશમાં રહેતા સંજય અગ્રવાલના ઘરે લાગેલા સી.સી.ટી.વી. કેમેરા જોતાં ગત ૧૬-૧૨ના રાત્રે નવ-સવા નવની આસપાસ એક શખ્સ પાછળના ભાગેથી બેડરૂમમાં ઘૂસતો જણાયો હતો તેમજ બે કલાક ત્યાં રહી બહાર નીકળતાં પણ ફૂટેજમાં નજરે પડયો હતો. બે કલાક ઘરમાં રહેવા છતાં કોઇને તેની જાણ થઇ નહોતી. પોલીસે ઘરફોડના વિચિત્ર બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેનાર અને ગામની મુખ્ય બજારમાં વિષ્ણુ જ્વેલર્સ નામની દુકાન ધરાવનાર રાજ મુકેશ સોનીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ગત તા.૨૩-૧૨ના રોજ રાબેતા મુજબ સાંજે પરત પોતાના ઘરે ગયા હતા અને તા. ૨૪-૧૨ના સવારે દુકાન ખોલવા આવતાં નકૂચો તૂટેલો અને તાળું નીચે પડેલું, તથા દુકાનનો દરવાજો ખુલ્લો જણાયો હતો. અંદર જતાં સર-સામાન વેરવિખેર જણાયો હતો. નકૂચા તોડીને અંદર ઘૂસેલા નિશાચરોએ અહીંથી ચાંદીના ૧૦ ગ્રામના ૧૦ સિક્કા, ચાંદીના પાંચ ગ્રામના ૧૨ સિક્કા,ચાંદીનું ૩૫ ગ્રામનું મુકુટ, ચાંદીનાં ૧૨ પેકેટ જેમાં ૭૨ બુટ્ટીની જોડ,ચાંદીના ૧૫ ગ્રામના ત્રણ બ્રેસલેટ, ચાંદીના પાંચ જોડ સાંકળા, ચાંદીની ૨૫ ગ્રામની પાંચ લગડી, ચાંદીની ૭૦ ગ્રામની પગની અંગૂઠી જોડ નંગ બે, ગણેશ અને શિવજીની ચાંદીની ચાર મૂર્તિ, ચાંદીની ૧૫ ગ્રામની એક ગાય,ચાંદીની ૧૨ ગ્રામની તુલસી નંગ-ત્રણ, ૩૦ ગ્રામની ચાંદીની ડોડી નંગ-૧, સમારકામ માટે ગ્રાહકે આપેલું સોનાંનું પેન્ડલ મળીને કુલ રૂા.૭૯,૮૦૦ના જે-તે સમયની ખરીદ કિંમતના દાગીના તફડાવી ગયા હતા. તેમની દુકાનમાં ખાતર પાડ્યા બાદ કેનાલના પાસે પમ્પિંગ સ્ટેશન પાસે પાર્ક થયેલું શૈલેન્દ્ર રમાકાંતિ સંઘનું નવું નક્કોર મોટરસાઇકલ (નંબર જીજે-૦૩-બીપી-૪૨૭૩) કિંમત રૂા. ૯૪,૮૦૦ને પણ હંકારી જતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દરમ્યાન, મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે બે માસ પૂર્વે થયેલી ચોરી અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૦-૧૦ના રાતથી બીજા દિવસની સવાર સુધીમાં શક્તિનગરથી મોટા કપાયા માર્ગ ઉપર શ્રીરામ વોટર સપ્લાય બોર નજીકના ખુલ્લા વાડામાંથી પીજીવીસીએલ હસ્તકનો એલ્યુમિનિયમનો ૩૪ એમ.એમ. અને પપ એમ.એમ.નો આશરે ૨૪ કિ.મી. લંબાઈના કિં.રૂા.ત્રણ લાખના વાયરની ચોરી થઇ હતી. પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે.
આપણ વાંચો: સોશિયલ મીડિયાના નશામાં ભાન ભૂલ્યો ડ્રાઈવર, ચેકપોસ્ટ પર રોકતા જ PI પર કર્યો જીવલેણ હુમલો…


