ભુજ

રણમાં ફેરવાયું બુલડોઝર! કડોલ રણ અભયારણ્યમાં 85 હેક્ટર જમીન પરથી મીઠાના અગરો-પાળા હટાવાયા

ભુજઃ કચ્છના ભચાઉ પંથકમાં આવેલા કડોલ રણ અભયારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વને જોખમમાં મૂકતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વનતંત્રએ અભયારણ્યના અંદાજિત 85 હેક્ટર જેટલા વિસ્તારમાં બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવા માટે બનાવેલા પાળાઓ અને અગરોને તોડી પાડ્યા હતા. જેના કારણે દબાણકર્તા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

રક્ષિત અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરીને બેફામ રીતે મીઠું પકવવામાં આવી રહ્યું હતું. સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ, આ તત્વો ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરીને માત્ર દબાણ જ નથી કરી રહ્યા, પરંતુ ખુલ્લેઆમ બંદૂકના ભડાકે વન્યજીવોનો શિકાર પણ કરી રહ્યા છે. અગાઉ, જાગૃત નાગરિકો દ્વારા વનતંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવતી હતી, પરંતુ પગલાં લેવાને બદલે તેમની અરજીની માહિતી શિરજોર તત્વોને આપી દઈને મામલાને દબાવવાના પ્રપંચો રચાતા હતા, જેનાથી વન વિભાગની ભૂમિકા સામે સવાલો ઊભા થયા હતા.

આ ઉપરાંત અભ્યારણ્યની સરકારી જમીનની સ્ટેમ્પ પેપર પર લે-વેંચ કરતાં પણ આ ભૂમાફિયાઓ અચકાતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આ તમામ આક્ષેપો વચ્ચે પોતાની શાખ અને સત્તા બચાવવા માટે વનતંત્ર હરકતમાં આવ્યું હતું અને 852 હેક્ટર વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.

તાજતેરમાં અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની સત્તાવાર જાહેરાત થયા બાદ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પહેલા પંચમહાલના વાઘજીપુરમાં 200 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલ અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો…બુલડોઝર એકશનઃ પંચમહાલમાં સરકારી જમીન ખુલ્લી કરાઈ: વાઘજીપુરમાં 200 દબાણો દૂર કરવામાં આવ્યા!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button