ભરશિયાળે આકરા ઉનાળાના એંધાણ: ભુજ શહેર 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ‘તપ્યું’

ભુજ: શિયાળાની ઋતુને હજુ વિદાય લેવામાં સત્તાવાર રીતે હજુ સમય બાકી રહ્યો છે ત્યારે હાડ થીજવતી ઠંડી જાણે અચાનક ગાયબ બની ગઈ હોય તેમ કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુના થઇ રહેલા અનુભવ વચ્ચે બપોરના ભાગે સૂર્યનારાયણ દેવે જાણે અત્યારથી જ અગનવર્ષા કરી દેવાનું શરૂ કરી દીધું હોય તેમ 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ મથકોમાં ભુજ શહેરે મોખરાનું સ્થાન જાળવ્યું છે. જયારે અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું ઠંડુ મથક બન્યું છે.
આ પણ વાંચો: ગુજરાત હવામાનઃ ઠંડીમાં આંશિક રાહત, અમરેલીમાં 8 ડિગ્રી તાપમાન
અત્યારથી જ ચૈત્ર-વૈશાખી ગરમીનો અનુભવ
પરંપરાગત રીતે શિયાળાની પરાકાષ્ઠા સમા જાન્યુઆરી મહીનાના આખરી દિવસોમાં જ આ સ્તરનું મહત્તમ તાપમાન અસામાન્ય છે. જો કે, આજે ભેજવાળા પવનો ફૂંકાતા કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં એકંદરે ગરમીમાં રાહત વર્તાવવા પામી છે, પણ ભરબપોરે બહાર નીકળતાં અત્યારથી જ ચૈત્ર-વૈશાખી ગરમીનો અનુભવ થવા પામી રહ્યો છે. કચ્છના ભુજ ઉપરાંત નલિયામાં ૩૨ ડિગ્રી સે.અને કંડલા ખાતે 31 ડિગ્રી સે.જેટલું ઊંચું મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું.
નલિયા ખાતે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સે.
દરમ્યાન, કચ્છમાં હજુ વહેલી સવારે ઠંડીની અનુભૂતિ થાય છે તેથી હજુ સત્તાવાર રીતે શિયાળાએ વિદાય લીધી નથી. કચ્છના નલિયા ખાતે આજે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સે.રહેવા પામ્યું હતું જયારે ભુજમાં 16 ડિગ્રી સે. રહેવા પામ્યું હતું.
શિયાળાએ વહેલી વિદાય લેવી શરૂ કરી હોય તેવું હાલ લાગી રહ્યું છે પણ આગામી ઉનાળાની ગરમી પરેશાન કરનારી બની રહેશે તે બાબત નક્કી છે.