ભુજ

ભુજમાં શિક્ષકને શેરબજારમાં તોતિંગ નફાની લાલચ ભારે પડી, રૂ. ૩૨.૮૨ લાખનો લાગ્યો ચુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: આજના યુગમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાઓ ઓનલાઇન ઠગાઈનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ભારતીય શેરબજારમાં ઓપશન ટ્રેડિંગ, બલ્ક ટ્રેડિંગ, ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ પ્રત્યે રોકાણકારોમાં રુચિ વધવાની સાથે, ટીપ આપીને વધુ નફો કમાવી આપવાના નામે બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓ કમ ઓનલાઇન ચીટરોનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. આ દરમ્યાન ભુજના યુવક સાથે શેરબજારમાં નફો કમાવી આપવાના બહાને સાયબર ક્રિમિનલોએ રૂા.૩૨.૮૨ લાખની છેતરપિંડી આચરતાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ મથકે ભુજના ભાનુશાલી નગરમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા હિતેશ રસિકલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તા. ૪-૧૧-૨૫ના રોજ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરવા અંગે કહેવાતા એક્સપર્ટની ટિપ્સ ઉપરાંત રોકાણ પર તથા આઈપીઓ એલોટમેન્ટમાં સફળતાની ટકાવારી ઊંચી હોવાની વાતો કરાતી હતી.

તેઓએ રોકાણ કરવા બાબતે પૃછા કરતાં એક વોટ્સએપ નંબર અપાયા હતા. આ વોટ્સએપ પર મેસેજ કરતાં ઓ.આર.એલ.એમ એલએલસીના ગ્રુપ સર્વિસ વિભાગનો મેનેજર હોવાની એક શખ્સે ઓળખ આપી હતી અને તેણે મોકલેલી લિંક પરથી થર્ડ પાર્ટી સોફ્ટવેર મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરીને તેમાં પર્સનલ વિગતો ભરી આપી હતી.

ત્યારબાદ આ સોફ્ટવેરમાં હિતેશ સોની કહેવાતા ટ્રેડિંગ ગુરુના કહેવા પ્રમાણે રોકાણના નામે બેન્ક ખાતાંમાં પૈસા જમા કરાવતા તે રકમ ડિજિટલ વોલેટમાં જમા બતાવાતી હતી. કંપનીની ટીપ્સ મુજબ ટ્રેડિંગ શરૂ કર્યું જેમાં તેમને સારો ‘પ્રોફિટ’ થવા લાગ્યો હતો. આ તમામ રકમ તેમના વૉલેટમાં જમા થતી રહેતી હતી. ફરિયાદીએ તા. ૩-૧૨થી ૨૩-૧૨ દરમ્યાન કુલ ૧૩ વખત ટ્રાન્સેક્શન થકી રૂા. ૩૨,૮૨,૦૦૫ જમા કરાવ્યા હતા.

ભોગ બનનારે આ પૈસા ઉપાડવા પ્રયત્ન કર્યા હતા. જો કે દરેક વખતે જુદી-જુદી એરર આવ્યા કરતી હતી. વ્હોટ્સએપ પર હેલ્પ માંગતા તમારું પેમેન્ટ કંપનીની એડવાઈઝરી કમિટી સમક્ષ છે અને ત્યાંથી એપ્રુવલ મળ્યાં બાદ નાણાં વિડ્રો કરાવી શકશો તેવા બહાના બતાવ્યાં હતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પામી ગયેલા યુવકે સાયબર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આવા બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓથી સાવધાન રહેવા અને ઓથોરિટીને રિપોર્ટ કરવા નાગરિકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો…એક કરોડ રોકાણકારો ધરાવતું ગુજરાત ઠગોના નિશાને: ૨૦૨૫માં રોકાણના નામે ૫૬૫ કરોડની મહાઠગાઈ!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button