ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને તહેવારો ટાંકણે બંધ કરી દેવાઈ!
રેલવે વિભાગે પૂરતા પ્રવાસીઓ ન મળતા હોવાનુ કારણ આગળ ધરી દીધું: પ્રવાસીઓમાં ભારે નારાજગી

ભુજઃ તાજેતરમાં રંગેચંગે શરૂ કરવામાં આવેલી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને શ્રાવણી તહેવારો ટાંકણે જ એકાએક બંધ કરી દેવામાં આવતાં પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
પશ્ચિમ રેલવે પાસેથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, ચાર ફેરા દરમ્યાન મુસાફરોની સંખ્યામાં નોંધાયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૦૯૫૪૬/ ૦૯૫૪૫ ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ રાત્રી ટ્રેનને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. ભુજથી આ ટ્રેન ૮ ઓગસ્ટથી જ્યારે રાજકોટથી ૭ ઓગસ્ટથી રદ રહેશે. ભુજ-રાજકોટ વચ્ચે બંને તરફે આ ટ્રેનના ૩-૩ ફેરા થયા છે અને મંગળવારે રાજકોટથી છેલ્લી ટ્રીપ ઉપડી આજે ભુજથી છેલ્લી ટ્રીપ જશે. માત્ર ત્રણ જ ફેરામાં પૂરતા પ્રવાસીઓ મળતા ન હોવાનું જાણીને આ નિર્ણય લેવો પડ્યો હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે એક મુસાફરે રોષપૂર્વક જણાવ્યું હતું કે, બે દાયકા બાદ ચાલુ થયેલી ભુજ-રાજકોટની ઇન્ટરસિટી અગાઉ દૈનિક હતી અને ગત ૨૧મી માર્ચથી ૩૦ જૂન સુધી ચાલુ કરીને સેવા બંધ કરી દેવામાં આવી હતી. એ વેળાએ કોઈ રાજકારણી કે પ્રવાસીઓની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે સમક્ષ રજૂઆત ધરાર ન કરાઇ. પાણી પુરવઠા મંત્રી દ્વારા તાજેતરમાં રજૂઆત કરવામાં આવતાં મોડી રાત્રીના વિચિત્ર સમયે આ ટ્રેન દોડાવવામાં આવતાં કોઈ નેતાનો રાજકીય અહમ ઘવાતાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડનારી આ મહત્વપૂર્વં ટ્રેનને મનસ્વી રીતે બંધ કરી દેવાઇ હોઈ શકે.
આ ટ્રેન બાબતે રેલવે દ્વારા જરૂરી પ્રચાર-પ્રસાર ન કરાતા મોટાભાગના પ્રવાસીઓ આ સુવિધાથી અજાણ હતા. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ હતી જેમાં ભુજથી બુધ, શુક્ર અને રવિ જ્યારે રાજકોટથી મંગળ, ગુરૂ અને શનિવારે ઉપડતી. ભુજથી રાજકોટ જવામાં બસમાં માત્ર ૫ ક્લાક લાગે છે જયારે ટ્રેનમાં સાત કલાક લાગતા હતા. અમદાવાદ ડિવિઝનમાં રેલવેને સૌથી વધુ આવક કચ્છથી થાય છે અને કચ્છને જ રેલ સુવિધા આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમ એક જાગૃત મુસાફરે ઉમેર્યું હતું.
આપણ વાંચો: અમદાવાદના બોપલ નજીકના ઘુમામાં ફાયરિંગમાં એક યુવકનું મોત, હત્યા કે આત્મહત્યા તપાસ શરુ…