ભુજના રતિયા તાલુકાની સ્કૂલમાં છત પરથી પોપડા પડતા વિદ્યાર્થી ઘાયલ, વાલીઓમાં રોષ

ભુજ: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા કેટલી હદે છે તેનો વાસ્તવિક ચિતાર આપતી દુર્ઘટના છાશવારે બનતી રહે છે. ભુજ તાલુકાના રતિયા ગામમાં બની હતી, જેમાં જર્જરિત થઇ ગયેલી પ્રાથમિક શાળાની છતમાંથી મસમોટાં પોપડા નીચે પડતા સ્કૂલના વિદ્યાર્થી ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા હતા. સ્કૂલમાં પોપડા પડવાથી ત્રણ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા, આથી તેઓને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રામપરની સ્કૂલમાં છત પરથી પોપડા પડ્યા
આ ઘટનાનું ફરી પુનરાવર્તન થયું હોય તેમ ભુજ તાલુકાના રામપરની સ્કૂલમાં છત પરથી મસમોટાં પોપડા પડતા ૧૩ વર્ષીય વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. આ અંગે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત ૧૪મી જુલાઇના સવારે દસ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો જેમાં રામપર વેકરા ગામે રહેતો સંજય ગોવિંદ દાંતણિયા નામનો કિશોર અહીંની સ્કૂલમાં હતો એ દરમિયાન રૂમની છત પરથી પોપડા નીચે પડતા તેને ઇજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.કે. જનરલમાં લાવવામાં આવ્યો હતો. હાલ આ વિદ્યાર્થી સારવાર મેળવી રહ્યો છે.
આ પણ વાંચો: Patanમાં વર્ગખંડની છત પરથી પટકાતાં શાળાનાં આચાર્યનું મોત
એકાદ માસ અગાઉ રતિયામા બની હતી ઘટના
ઉલ્લેખનીય છે કે એકાદ માસ અગાઉ રતિયાની પ્રાથમિક શાળાની લોબીમાં ઉભેલા ત્રણ બાળકો પર પોપડા પડ્યા એ ઘટના બાદ વાલીઓએ જર્જરિત શાળાઓના સમારકામ માટે અવારનવાર રજૂઆત કરી હતી તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા દરકાર ન લેવાતાં ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થયું હોવાનું ઘાયલ છાત્રના માતા-પિતાએ રોષપૂર્વક જણાવ્યું હતું.