ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવાર

ભુજઃ અસામાજિક તત્વો પર લગામ કસવા માટે શરૂ કરવામાં આવેલી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા સીમાવર્તી કચ્છ જિલ્લામાં પણ પોલીસ દ્વારા વ્યાપકપણે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તેવામાં ભુજ શહેરના સંજોગનગર, કોડકી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા દરમિયાન પોલીસના મોટા કાફલાએ હાથ ધરેલા સઘન કોમ્બિંગ દરમિયાન ચકચારી સોપારી દાણચોરીકાંડના આરોપી અને તેને આશરો આપનાર શખ્સના વાડામાંથી પોલીસે ૧૨ નકલી સોનાના બિસ્કીટ, ૧૪ ઘાતક હથિયાર અને ૨૩ જેટલાં બિલ વગરના મોબાઈલ ફોનને પણ કબજે કર્યાં છે.
અસામાજિક તત્વોને પાંજરે પૂરવાના રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે ભુજ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક ગુન્હાશોધક શાખા, એ અને બી ડિવિઝન પોલીસ, માધાપર પોલીસ, એસઓજી, પેરોલ ફર્લૉ સ્ક્વૉડ, જિલ્લા અને સીટી ટ્રાફિક બ્રાન્ચના કાફલાએ સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો…ટ્રેન ઓન ડિમાન્ડ: આગામી શુક્રવારથી ભુજ-રાજકોટ-ભુજ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન થશે જરૂર
આ કોમ્બિંગ દરમ્યાન એરપોર્ટ રોડ પર સેવન સ્કાય હોટલ સામે માલધારી નગરમાં આવેલા નુરમામદ ઈબ્રાહિમ અજડિયાના વાડામાં પોલીસે સર્ચ કરતાં નાનાં મોટાં સાત ધારિયા, ત્રણ લોખંડની પાઈપ, મોટર સાયકલના ચક્રમાંથી બનાવેલાં બે હથિયાર, એક-એક કુહાડી અને તલવાર સહિત કુલ ૧૪ હથિયાર મળી આવ્યાં હતાં. આ ઉપરાંત વાડામાંથી નકલી સોનાના નાનાં-મોટાં ૧૨ બિસ્કીટ અને આધાર પૂરાવા વિનાના ચોરીના મનાતાં ૨૩ મોબાઈલ ફોન કબજે કર્યાં હતા. નૂરમામદ સાથે રહેલા મોહિત પ્રદિપ માખીજા નામના અન્ય આરોપીને પોલીસે ઝડપ્યો હતો.
અટકમાં લેવાયેલા મોહિતના નામની પેઢી ખોલીને ગાંધીધામના રીઢા દાણચોરોએ ઈન્ડસ્ટ્રીયલ સૉલ્ટના નામે કરોડો રૂપિયાની સોપારી મગાવી, દાણચોરી કરી ભારતમાં વેચી ખાધી હતી. વર્ષ ૨૦૨૩માં તત્કાલિન રેન્જ આઈજીના સાયબર સેલના સ્ટાફે સોપારી ભરેલાં ગોડાઉનમાં દરોડો પાડવાના નામે પોણા ચાર કરોડનો તોડ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેમાં મૂળ નાગપુરના રહેવાસી એવા મોહિત માખીજાની ધરપકડ કરવામાં આવી હતી.
નૂરમામદ સામે પણ અગાઉ મારામારીનો એક બનાવ દાખલ થયેલો છે. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર હાર્દિક ત્રિવેદીએ બંને શખાની અટક કરીને સઘન તપાસ હાથ ધરી છે. આ કોમ્બિંગ દરમિયાન પોલીસે ૪૨ મકાનોમાં સર્ચ હાથ ધર્યું હતું અને નંબર પ્લેટ વગરના ૭ વાહનો ડીટેઈન કરી ૨૧ હજાર રૂપિયાનો સ્થળ દંડ વસૂલ્યો હોવાનું હાર્દિક ત્રિવેદીએ ઉમેર્યું હતું.