ભુજમાં નેપાળી સમાજના તીજના કાર્યક્રમમાં નશો કરેલા શખ્સોએ ઉત્પાત મચાવતાં ચકચાર
ભુજ: કેવડા ત્રીજના તહેવારની પૂર્વસંધ્યાએ ભુજ શહેરના સર્કિટ હાઉસ સામે આવેલા ટાઉનહોલમાં નેપાળીઓ અને પરપ્રાંતીય લોકો દ્વારા યોજવામાં આવેલા સાંસ્કુતિક કાર્યક્રમમાં કેટલાક શખ્સો દ્બારા શરાબના નશામાં ધૂત બનીને ચાલુ કાર્યક્રમ વચ્ચે ઉત્પાત કરવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથક પાસેથી મળેલી જાણકારી મુજબ શહેરના ટાઉનહોલ ખાતે નેપાળી સમાજનો તીજનો કાર્યક્રમ સાંજના સમયે ચાલુ હતો ત્યારે કેટલાક શરાબીઓએ એકબીજા પર પાણી ભરેલી બોટલોની ફેંકા ફેંકી કરી હતી અને જોતજોતામાં ચાલુ કાર્યક્રમ વચ્ચે બાખડી પડયા હતા. ડરી ગયેલી મહિલાઓ અને બાળકોએ બહાર નીકળવા ધક્કામુકી કરી દેતાં ટાઉનહોલમાં નાસભાગ થઇ પડી હતી.
આ પણ વાંચો : ગાંધીધામની કિશોરીના અપહરણ, દુષ્કર્મ બદલ પાટણના યુવકને 10 વર્ષની સખત કેદ-દંડની સજા…
આ ન્યુસન્સ અંગેની જાણ એ-ડિવિઝન પોલીસને થતાં પોલીસ વાન તુરંત ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને બળપ્રયોગ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસને અંદર સ્ટેજ અને ખુરશીઓ પર પાણી સાથે મિલાવેલી શરાબની બોટલો અને સીંગ ભુજીયા,મસાલા સિંગના ‘ચખણા’ના પડીકાં પડેલા દેખાયા હતા.
શરાબ પીને ઉત્પાત મચાવનારા 11 યુવકોને અટકમાં લઇ પોલીસ મથકે લઈ અવાયા હતા અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.