કચ્છીઓ માટે ખુશખબરઃ દિવાળી પહેલા એર ઈન્ડિયા ભુજ-મુંબઈની ફ્લાઈટ શરૂ કરશે

ભુજ/મુંબઈઃ ગુજરાતમાં કચ્છ રણોત્સવની શરૂઆત પહેલા એર ઈન્ડિયાએ પ્રવાસીઓને સારા સમાચાર આપ્યા હતા. એર ઈન્ડિયા 26 ઓક્ટોબરથી મુંબઈ-કચ્છ ફ્લાઇટ શરૂ કરશે. મુંબઈથી પ્રવાસીઓ સીધા જ કચ્છ પહોંચી શકશે. રણોત્સવની ઓક્ટોબરના અંતમાં શરૂઆત થવાની શક્યતા છે.
કચ્છના સફેદ રણનો નજારો માણવા દેશ-વિદેશમાંથી અનેક લોકો આવે છે. કચ્છના રણોત્સવની સૌથી મોટી વિશેષતા ટેન્ટ સિટી છે. અહીંયા સમગ્ર શહેર ઊભું કરવામાં આવે છે અને બાદમાં તેને હટાવી લેવામાં આવે છે.
આપણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સિસ્ટમ એક્ટિવ, ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, ભુજને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી ફ્લાઇટ 26 ઓક્ટોબરથી શરૂ થશે, તેનાથી રહેવાસીઓ અને મુસાફરો બંનેને ખુશી થશે. એર ઈન્ડિયાએ દિવાળી અને રણોત્સવ પહેલા ખુશ ખબર આપી હતી.
આ ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટર્મિનલ 2)થી બપોરે 1.50 કલાકે ઉપડશે અને બપોરે 3.20 કલાકે ભુજ પહોંચશે. સાંજે 4.00 કલાકે ફ્લાઈટ ભુજથી ઉડાન ભરશે અને સાંજે 5.25 કલાકે મુંબઈ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભુજ-મુંબઈ વચ્ચે માત્ર સવારે જ ફ્લાઇટ હતી, સાંજે કોઈ ફ્લાઇટ નહોતી. આ નવી ફ્લાઇટથી મુસાફરોને વધુ એક વિકલ્પ મળશે, જેનાથી મુંબઈથી કચ્છ અવરજવર કરનારા વેપારી અને અન્ય વર્ગના લોકોને વધુ રાહત થશે.