ભુજ

ભુજના માધાપરમાં LCBનો સપાટો: બિગ બેશ લીગ પર ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 1.30 કરોડનું ID બેલેન્સ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ ભુજના માધાપર ગામમાં ધમધમતા હાઈટેક ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ત્રાટકીને કરોડોના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે માધાપર ગામ મધ્યે આવેલી સનરાઈઝ સિટી સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં એક મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં એકઠા થયેલા ચિંતન હસમુખ ઠક્કર, હિરેન હસમુખ ઠક્કર અને પ્રિન્સ વિપુલ ઠક્કર નામના યુવાનો ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગની સિડની થન્ડર વિરુદ્ધ હોબાર્ટ હેરીકેન્સ વચ્ચેની લાઈવ ક્રિકેટ મેચ પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.આ પકડાયેલા યુવકો ક્રિકેટ મેચ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા હતા. પોલીસને તપાસ દરમિયાન તેમના મોબાઈલ ફોન અને ટેબ્લેટમાંથી ક્રિકેટ સટ્ટાના માસ્ટર અને એડમિન આઈ.ડી. મળી આવ્યા હતા, જેમાં કુલ ૧,૩૦,૦૦,૯૧૦ રૂપિયાનું જંગી બેલેન્સ જોવા મળ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૨ નંગ મોબાઈલ ફોન, ૧ ટેબ્લેટ અને રોકડ રકમ સહિત કુલ ૯૫,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, મુખ્ય દરોડા દરમિયાન અન્ય ચાર શખ્સો હાજર મળી આવ્યા ન હતા, જેમાં પાલનપુરના અજય ઠક્કર, ભુજના કિશન રામજી ઠક્કર, વિકી ઠક્કર અને ભચાઉના બિપિન લુહારના નામ ખુલ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતા આ હાઈટેક સટ્ટાના પર્દાફાશથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button