ભુજમાં પીએમ આવાસ યોજનામાં ₹ 40,000ની લાંચ લેતા ગ્રામસેવક ઝડપાયો, આસિસ્ટન્ટ ફરાર

ભુજ: એન્ટી કરપ્શન બ્યુરોએ ભૂજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મળવાપાત્ર સહાય માટે ₹40,000ની લાંચ લેવાના કેસમાં એક ગ્રામ સેવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સંડોવાયેલો બીજો આરોપી, એક ટેકનિકલ આસિસ્ટન્ટ, ફરાર છે.
મળતી વિગતો અનુસાર એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ પોતાની અને સંબંધીઓની મકાન સહાયની અરજી ભૂજ તાલુકા પંચાયત કચેરીમાં કરી હતી. આ સહાય માટે જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોષીએ ₹ 40,000ની લાંચની માંગણી કરી હતી. વિશાલે ફરિયાદીને આ રકમ ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને આપવા જણાવ્યું હતું.

ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ભૂજ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન વિશાલ જોષીએ ફોન પર ફરિયાદીને દર્શન પટેલને મળીને લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. આ વાતચીતના આધારે, ફરિયાદી દર્શન પટેલને મળ્યા અને હેતુલક્ષી વાતચીત બાદ દર્શને ₹40,000ની લાંચ સ્વીકારતા તેને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો.
લાંચની રકમ ₹ 40,000 સ્થળ પરથી રિકવર કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી વિશાલ ભરતભાઈ જોષી હાલ ફરાર છે અને એલીબી દ્વારા તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: 5,000ની લાંચ મોંઘી પડી: 15 વર્ષ જૂના કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની કેદ અને ₹ 1 લાખનો દંડ