પોઝિટિવ રિવ્યૂની લાલચ ભારે પડી: ભુજની યુવતીએ ₹200ની લાલચમાં ગુમાવ્યા ₹ 8.40 લાખ

ભુજઃ અત્યારે ભયાનક મોંઘવારીના ચાલી રહેલા કપરા સમયમાં જીવતા રહેવા માટે આવક વધારવા માટે લોકો નોકરી ઉપરાંત અન્ય આર્થિક ઉપાર્જન માટેના વિકલ્પો શોધતા રહેતા હોય છે તેવામાં કહેવાતા ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી તેના બદલામાં સારી એવી કમાણી કરવાની ઇન્સ્ટા રીલ્સ પર પાથરેલી ભેજાબાજોની જાળમાં આવી ગયેલી ભુજના કોડકી ગામની યુવતીને રૂ.૮.૪૦ લાખ ગુમાવવા પડ્યા હતા.
ભુજમાં એકાઉન્ટિંગને લગતું કામ કરતા વિપુલ કાનજી વરસાણીએ પશ્ચિમ કચ્છ સાયબર પોલીસ મથક (બોર્ડર રેન્જ-ભુજ)માં અજ્ઞાત શખ્સો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સાળીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતી વેળાએ પાર્ટ ટાઈમ જોબ કરી સારા એવા પૈસા કમાવવાની એક રીલ નજરે ચઢી હતી. આ રીલની નીચે ડિસ્ક્રિપશનમાં જઈને ક્લિક કરતાં એક વોટ્સએપના નંબર પરથી એક લિંક તેમને આપવામાં આવી હતી, જેમાં કેટલીક પ્રોડક્ટ્સના પોઝિટિવ રિવ્યૂ આપી તેના સ્ક્રીન શોટ મૂકવા જણાવાયું હતું. બાદમાં સાળીએ તે મુજબ સ્ક્રીન શોટ વોટ્સએપ કર્યા હતા, જેના પેટે રૂા. ૨૦૦ જીત્યા હોવાનો તેમને મેસેજ આવ્યો હતો. આ ૨૦૦ રૂપિયા પ્રાપ્ત કરવા માટે બેંકની વિગતો મેળવવા લિંક મોકલાઈ હતી.
આ પણ વાંચો: ફિલ્મમાં એક્ટ્રેસ બનાવવાની લાલચ આપી… રાજકોટમાં ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોક્સો હેઠળ ધરપકડ
ત્યારબાદ ટેલિગ્રામમાં એક અજ્ઞાત આઈડીધારકે વધુ એક લિંક મોકલીને યુઝર આઈડી-પાસવર્ડ આપ્યા જેના વડે લોગીન કરીને ડિજિટલ વોલેટમાં પૈસા જમા થશે તેમ જણાવાયું હતું. બાદમાં ફરિયાદીની સાળીએ નાણાં ઉપાડવાની કોશિશ કરતાં ટેકનિકલ કારણે તે બંધ થઈ હતી, જેથી તેને એક્ટિવ કરવા પૈસા ભરવાનું કહેવાયું હતું. આથી ૨૦૦ રૂપિયા મેળવવા ખાતર તેમના સાળીએ વિવિધ ખાતામાં કુલ રૂા. ૮,૪૦,૪૯૬ મોકલી આપ્યા હતા, જેને ઉપાડવાની કોશિશ કરતાં ઠગબાજોએ ૬૮ ટકા ચાર્જ ભરવાનું સુણાવી દેતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં અંતે આ મુદ્દે સાયબર પોલીસ સમક્ષ ફરિયાદ નોધાવાઈ હતી.