પતિને આત્મહત્યા કરવા મજબૂર કરનારી પત્નીની બહેનપણીની જામીન અરજી ફગાવાઈ
ભુજઃ તાજેતરમાં જ બેંગલોરના અતુલ સુભાષ Atul Subhash અને દિલ્હીના પુનિત ખુરાના Puneet Khurana એ પત્ની અને સાસરીયાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાના મુદ્દાઓ ચર્ચાના વિષય બન્યા છે. આ બન્ને કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ કચ્છના આવા જ એક જૂના કેસમાં એક અપડેટ આવી છે.
પતિને તરછોડ્યા બાદ પ્રેમી સાથે મળીને છૂટાછેડાં આપવા માટે દબાણ કરી મરવા મજબૂર કરવાના જે-તે સમયે ચકચારી બનેલા ગુનામાં નામદાર અદાલતે મદદ કરનાર મુંબઈની ૪૫ વર્ષિય નીતા કિરીટ જોશીની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.
મુંદરામાં રહેતા ૩૩ વર્ષિય નિખિલ પરેશ જોશીએ ગત ૧૦-૧૧-૨૦૨૪ના રોજ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પૂર્વે નિખિલે લખેલી સ્યુસાઈડ નોટમાં પત્ની કિરણ હિતેશ જેઠવા (મોચી)ને મુંદરાના ભાજપ સાથે સંકળાયેલા સામાજિક અને રાજકીય આગેવાન કિરણ ચુનીલાલ રાજગોર સાથે પ્રેમ સંબંધો હોવાનું અને પત્ની પોતાની માસૂમ પુત્રીને લઈને ગૃહત્યાગ કરીને છૂટાછેડાં માટેના કાગળિયા મોકલીને સતત સખત માનસિક ત્રાસ આપ્યા કરતી હોવાનો સંગીન આરોપ કર્યો હતો.
આ પત્રમાં મુંબઈમાં રહેતી અને મૃતકના પત્નીની બહેનપણી નીતા જોશી અને પુત્રી નિધિ મદદ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. મુલુન્ડમાં રહેતાં આ મા-દીકરી મૃતકના પત્નીને ઉશ્કેરતા હોવાનું પણ પત્રમાં લખ્યું હતું.
આ પણ વાંચો…માંડવીના પિયાવા પાસે પૂરપાટ દોડતી કાર નાળાંમાં ખાબકતાં બે યુવાનોના મોત
આ ગુનામાં મુંદરા પોલીસે મૃતકની પત્ની કિરણ જેઠવા, તેના પ્રેમી કિરણ રાજગોર અને નીતા જોશીની ધરપકડ કરી હતી.
તાજેતરમાં ભુજ સેશન્સ કૉર્ટે કિરણ જેઠવા અને કિરણ રાજગોરની જામીન અરજી ફગાવી દીધી હતી. નીતા જોશીએ જામીન મેળવવા દાખલ કરેલી અરજીને કૉર્ટે રીજેક્ટ કરી, અવલોકનમાં જણાવ્યું હતું કે, ગુનાની તપાસ હજુ ચાલુ છે, સ્યુસાઈડ નોટના આધારે નીતાની આવા ગંભીર ગુનામાં પ્રથમ દર્શનીય અને સક્રિય સંડોવણી સ્પષ્ટ થાય છે અને તેની દીકરી નિધિ હજુ નાસતી ફરતી હોઈ જો તે જામીન પર છૂટે તો દીકરીને તપાસથી નાસવામાં મદદ કરી શકે છે તેવી શક્યતાને અનુલક્ષીને અરજી ફગાવી દીધી છે. કેસમાં સરકાર પક્ષે પી.વી. વાણિયા અને મૂળ ફરિયાદી પક્ષે કુલદીપ મહેતાએ દલીલો કરી હતી.