મુંદરાના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસમાં સામેલ ત્રણ આરોપીની જામીન અરજી નામંજુર
વારંવાર જામીન અરજીઓ દાખલ કરવા બદલ આરોપીઓને દંડ ફટકારાયો

ભુજઃ વર્ષ ૨૦૨૧ના કચ્છના બંદરીય મુંદરામાં બનેલા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં જિલ્લાની નામદાર અદાલતે ત્રણ આરોપી એવા તત્કાલિન પોલીસ લોકરક્ષક ગફુરજી પીરાજી ઠાકોર, તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ
કપીલ અમૃતલાલ જોશી અને આરોપીઓને આશ્રય સહિતની મદદગારી કરવાના આરોપસર પકડાયેલા નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાની નિયમિત જામીન અરજી નામંજુર કરી દીધી હતી. આ ઉપરાંત વારંવાર જામીન અરજીઓ રજૂ કરીને અદાલતનો કિંમતી સમય બગાડવા બદલ આ ત્રણેય સાહેદો જિલ્લા કાનુની સેવા સતા મંડળ સમક્ષ બે-બે હજાર રૂપિયા જમા કરાવે તેવો આદેશ પણ કરાયો હતો.
ભારે ચર્ચાસ્પદ બનેલા આ કસ્ટોડિયલ ડેથ કેસમાં જામીન ઉપર મૂકત થઈ ચૂકેલા ત્રણ આરોપીનો મુદ્દો આગળ ધરીને પોતાને પણ સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ તેવી માગણી સાથે ગફુરજી ઠાકોર, કપીલ જોષી અને નરવિરસિંહ સરવૈયા માટે અદાલત સમક્ષ જામીન અરજી મુકાઈ હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી સમાનતાના ધોરણે તહોમતદારો જામીનના હકકદાર ન હોવાના તારણ સાથે એડાપ્ટ ત્રણેય આરોપીઓની નિયમિત જામીનની અરજી નામંજુર કરી હતી.
સુનાવણી દરમ્યાન આરોપી પક્ષે કરાયેલી દલીલોનું ખંડન કરતી રજુઆત સરકાર પક્ષ દ્વારા કરાઈ હતી જયારે ફરીયાદ પક્ષે પણ વાંધા લીધા હતા. ન્યાયાધીશે વારંવાર અરજીઓ સાથે આરોપીઓ બે મહિનાથી દલીલ ઉપર રહેલાં કેસને આગળ વધવા દેતા ન હોવાના તારણ સાથે આ ત્રણેય જણની જામીન અરજી નામંજુર કરવા સાથે તેઓ પ્રત્યેક બે-બે હજાર રૂપિયા જિલ્લા કાનુની સેવા સતા મંડળ સમક્ષ જમા કરાવે તેવો આદેશ કરાયો હતો.
સુનાવણીમાં સરકાર પક્ષે કેસ માટે ખાસ નિયુકત સરકારી વકીલ રાજકોટના અનિલ આર. દેસાઈ તથા ફરિયાદ પક્ષ વતી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એઁ.એન.મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી ઉપરાંત ચારણ ગઢવી સમાજના ભુજના તમામ ધારાશાસ્ત્રોઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી ૨૦૨૧માં ઘરફોડ ચોરીના કથિત ગુનામાં મુંદરા પોલીસે ત્રણ ગઢવી યુવકોને ઉઠાવીને, પોલીસ મથકમાં ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજારતાં બે યુવકોનું મોત નીપજ્યું હતું, એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે તત્કાલિન પી.આઈ પઢિયાર સહિત પાંચ પોલીસ કર્મી. જીઆરડીના બે જવાનો અને સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિત દસ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…શિણાય નજીક અપહ્યત કિશોરી ઉપર દુષ્કર્મ આચરનારા બે નરાધમ પકડાયા