કચ્છમાં ‘એઠવાડ’નો થાય છે સદુપયોગ; યુવાનોની ખાસ ટુકડી કરે છે એકઠો….

ભુજ: કચ્છી હસ્તકળાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી આવતી અને પોતાના ખમીર માટે જાણીતી આહીર જ્ઞાતિ દ્વારા યોજાતા જમણવારમાં એકઠા થતા એઠવાડનો સદુપયોગ થાય એ માટે એક ખાસ વ્યવસ્થા ગોઠવવાની પ્રણાલિકા પ્રશંશનીય છે. જમણવાર બાદ થાળી પરત મુકવા જતા લોકો પાસેથી થાળીઓ એકઠી કરીને તેમાંથી એઠવાડ ભેગો કરવા યુવાનોની એક ટુકડી બનાવવામાં આવે છે. આ ટુકડી એકઠો થયેલો એઠવાડ ગામના પશુધન અને ગામના તળાવોમાં રહેતા માછલી સહિતના જળચરોને ‘પીરસી ‘દેવામાં આવે છે.
આ પણ વાંચો: કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા
ભુજ તાલુકાના ધાણેટી ખાતે હોળીના દિવસે છેલ્લા એક વર્ષમાં પરણેલા અંદાજે 25 જેટલા યુગલોએ તેમની પ્રથમ હોળી નિમિત્તે ગામની મુખ્ય હોળીની પ્રદક્ષિણા કરી હતી, તેના માનમાં આહીર સમાજ દ્વારા ખાસ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવારમાં એઠવાડના એકત્રીકરણ માટે ધાણેટી ગ્રામ પંચાયત દ્વારા એક ખાસ ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એઠવાડ એકઠો કરીને ગામની ગાયો અને તળાવના માછલાંઓને પીરસવા યુવાનોની ટુકડીને કામે લગાડાઇ હતી.
હોળીના તહેવાર ઉજવણીના પરંપરાગત રીત રિવાજો હવે જયારે લુપ્ત થતા જાય છે ત્યારે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં હોળીની ઉજવણીમાં હજુ તેના મૂલ્યો જળવાઈ રહ્યા છે તે આનંદની વાત છે.