ભુજ

કચ્છમાં ફરી એક વૃદ્ધ બન્યા સાયબર ફ્રોડનો શિકારઃ નવી મોડસ ઑપરેન્ડી તમે પણ જાણી લો

ભુજઃ ફાસ્ટ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના આજના જમાનામાં નાના બાળકોથી માંડીને વડીલો ઓનલાઇન ઠગાઈના શિકાર બની રહ્યા છે તેવામાં પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના એક વૃદ્ધને વોટ્સઅપ પર કોલ કરનારાએ એક લાખ રૂપિયા વૃદ્ધના ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા હોવાના ખોટા સ્ક્રીનસોટ મોકલી ૬૫ હજારની ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ગાંધીધામના બે-ડિવિઝન પોલીસ મથકે ૭૩ વર્ષના બટુકભાઈ તુલસીભાઈ વાજાએ અજાણ્યા મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેઓ એક ખાનગી કંપનીમાં એચ.આર હેડ તરીકે નિવૃત થઈને હાલ ખાનગી કન્સલટન્સી ચલાવે છે. ગત ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ તેમની ઓફિસમાં હતા ત્યારે તેમને વોટ્સઅપમાં અજાણ્યા નંબરથી વોઇસ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે કેપ્ટન શર્મા વાત કરતા હોવાનું કહીને ‘જૂના નંબર ડીલીટ થઈ ગયા છે, તમારા શહેરથી માંડવી કેટલું દુર થાય છે? મારા એક સંબંધીને અગાઉ ઉછીના રૂપિયા આપ્યા હતા, તે પરત આપવા માંગે છે, પણ બેંક ખાતામાં ટ્રાન્સફર નથી થઈ રહ્યા, જેથી તેમને તમારો નંબર મોકલ્યો છે’ આમ કહીને તેમણે ફોન રાખી દીધો, ત્યારબાદ અજાણ્યા નંબરથી તેમને બે સ્ક્રીનશોટ વોટ્સઅપ પર આવ્યા જેમાં એકમાં ૬૫ હજાર અને એકમાં ૩૫ હજાર તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવાયું હતું.

ત્યારબાદ આરોપીએ તેમને ફોન કરીને ૧ લાખ મોકલ્યા છે, જેમાંથી ૬૫ હજાર મોકલાવો તેમ કહેતા તેમણે પોતાના ખાતામાં ખરાઈ કરવાને બદલે વિશ્વાસમાં આવીને ટ્રાન્સફર કરી આપ્યા હતા. થોડા દિવસો બાદ તેમના પુત્રને પૈસા ટ્રાન્સફર કરવા ગયા ત્યારે તેમના ધ્યાને આવ્યું કે તેમના ખાતામાં સ્ક્રીનશોટ મુજબના પૈસા આવ્યા જ નથી. હાલ સાયબર પોલીસે આઇ.ટી એક્ટ હેઠળ અજ્ઞાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

આટલું ખાસ ધ્યાન રાખો
સાયબર ઠગો રોજ નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી તમને ઠગે છે, આથી કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પહેલા સો ટકા ખરાઈ કરો, અજાણ્યા જ નહીં જાણીતાને આપતા પહેલા પણ દરેક બાબત ચકાસો અને ત્યારબાદ જ ટ્રાન્ઝેક્શન કરો. શક્ય હોય તો એવા લોકોનો જ ભરોસો કરો જેમને તમે જાણો છો. જો સાયબર વર્લ્ડ વિશે વધુ જાણતા ન હો, તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળો. ફોન પર વાત કરતા કોઈપણ અજાણ્યા માણસનો ભરોસો ન કરો અને આટલી મોટી રકમ મોકલી ન આપો. ઘરમાં જો યુવાન સંતાન કે પડોશમાં કોઈ વિશ્વાસપાત્ર હોય તો તેમને પૂછો અથવા બે ચાર જણાનો મત લીધા બાદ જ કોઈપણ પ્રકારના અજાણ્યા વ્યક્તિ સાથેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો. છતાં પણ જો આવી કોઈ ઠગાઈના તમે શિકાર બનો તો તરત જ સાયબર પોલીસને સંપર્ક સાધો.

આ પણ વાંચો…સુરત સાયબર ફ્રોડ: લોનના બહાને ₹1445 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button