ભુજ

અંજાર પાયલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ પ્રેમ પ્રકરણ સહીત આ કારણ પણ બન્યું જીવલેણ

ભુજઃ મહિલા દિવસના આગલા દિવસે જ કચ્છમાં એક યુવતીની તેનાં જ ઘરમાં કરપીણ હત્યાના સમાચારે કચ્છ સહિત ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે આ ઘટનામાં બીજા ખુલાસા પણ થયા છે. યુવતીની હત્યામાં તેનાં પ્રેમી સાથે તેનો સાવકો ભાઈ જોડાયેલો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતેના પારસ નગરમાં રહેતી પાયલ ઉત્તમચંદાણી નામની યુવતીની મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ તીક્ષણ હથિયાર વડે રહેંસી નાખવાના ચકચારી બનાવમાં પોલીસે પકડેલા ઝનૂની પ્રેમીની પૂછપરછમાં ગુનાનું કાવતરું મૃતક પાયલના સાવકા ભાઈએ ઘડી ને હત્યારા પ્રેમીને ગુનાને અંજામ આપવામાં મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં આ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.

આદિપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પાયલ નિત્યક્રમ મુજબ રીસેસમાં બપોરે ઘરે પાછી આવી હતી. તે સમયે તેના પ્રેમી કરણ પ્રેમજી સોલંકી (ઉ.વ. ૨૫,રહે.મોમાય નગર, અંતરજાળ)એ ઘરમાં પ્રવેશીને પાયલને છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી.

ગત શુક્રવારના મોડી રાત્રે બનાવ ધ્યાને આવ્યા બાદ પોલીસે કરણની ધરપકડ કરી, પૂછપરછ કરતાં કરણે જણાવ્યું હતું કે, પાયલ સાથે બે વર્ષથી તેને મિત્રતા હતી અને તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ પાયલે કરણ જોડે બ્રેકઅપ કરી દીધો હતો. કરણે પાયલ સાથે પરાણે મિત્રતા જાળવી રાખવા પ્રયાસ કરતાં પાયલે તેના પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. કરણે પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, પાયલની ઘાતકી હત્યાનું કાવતરું ઘડી, મદદ કરવામાં તેનો ખાસ મિત્ર વિશાલ ખેમચંદ ખેમનાણી (ઉ.વ. ૨૩, રહે. ધારા સોસાયટી, મેઘપર બોરીચી, અંજાર) પણ સામેલ હતો. આ વિશાલ પાયલનો સાવકો ભાઈ છે. શુક્રવારે મોકો મળતાં કરણે ઘરમાં ઘૂસીને પાયલનું ઢીમ ઢાળી દીધું હોવાની તેની કબૂલાતના પગલે પોલીસે વિશાલની પણ ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો…કચ્છમાં કાળજું કંપાવી દે તેવી બે ઘટનાઃ એક કિશોર અને એક બાળકી આ રીતે…

દરમ્યાન, પાયલની માતા અને વિશાલના પિતા લાંબો સમય મૈત્રી કરારમાં સાથે રહ્યાં હતાં. પારસ નગરનું મકાન ખેમચંદે પાયલની માતાના નામે ખરીદ્યુ હતું, જો કે, બાદમાં બંને વચ્ચે મતભેદો થવા માંડતા ખેમચંદ તેમના બંને પુત્રોને લઈ અલગ રહેવા જતાં રહ્યા હતા.

આ મકાનને લઈ બે પરિવાર વચ્ચે વિવાદ પ્રવર્તતો હતો. ગત ૧૮-૦૫-૨૦૨૪ના રોજ મકાન મુદ્દે સાવકા પિતા અને સાવકા ભાઈ વિશાલ અને ચંદ્રેશે ઘરે આવીને ધોકાથી મારકૂટ કરી હોવાની પાયલે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાયલ અને તેના પરિવારે પોતાનું મકાન પડાવી લીધું હોવાની અને ખોટી ફરિયાદ નોંધાવી હોવાની વિશાલને અદાવત હતી.
બીજી તરફ, કરણને પાયલે સંબંધ તોડી નાખ્યો તેની દાઝ હતી.૨૦૨૨માં કરણ સામે સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો.પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ અને સ્માર્ટ ફોન કબજે કર્યા છે. કરણ અગાઉ સગીર વયની બાળાના અપહરણ, પોક્સો કેસમાં અંજાર પોલીસ મથકના ચોપડે ચઢી ચૂકેલો છે. તેની વિરુધ્ધ ૨૭-૦૮-૨૦૨૨ના રોજ ગુનો નોંધાયેલો હોવાનું અંજાર પી.આઈ એ.આર.ગોહિલે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button