ભુજના માધાપરમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવાની નવતર સ્પર્ધા યોજાઈ

ભુજ: એશિયાના સૌથી સમૃદ્ધ એવા ભુજ તાલુકાના માધાપર ગામના મહિલા મંડળ દ્વારા આજની યુવા પેઢીમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય માટે અત્યંત ઘાતકી જંક ફૂડ, પડીકામાં મળતા તૈયાર વ્યંજનો તરફ આકર્ષણ ધરાવનારી આજની નવી પેઢીમાં બાજરાના રોટલા હાથથી તૈયાર કરવાની આવડત લુપ્ત થતી જાય છે, ત્યારે આ નવી જેન-ઝી પેઢી જગ વિખ્યાત કચ્છી ભાણું બાજરાના રોટલા ઘરના સ્વચ્છ રસોડામાં બનાવી શકે એ માટે એક અનોખી હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિયોગિતા નિમિત્તે નારીશક્તિ મહિલા મંડળનાં પ્રમુખ તુષારીબેન વેકરિયાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બાળકો ઉપરાંત શ્વાનોને કેમિકલ અને મેંદાયુક્ત જાતજાતના બિસ્કિટ ખવડાવવાનું તેમજ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક પામ ઓઇલથી બનતાં અને બ્લડપ્રેશરમાં વધારો કરતાં નમકીનનું ચલણ ચિંતાજનક સ્તરે વધ્યું છે.
આવા જંક ફૂડને બદલે કચ્છી ભાણાના અત્યંત પૌષ્ટિક રોટલા આજના પરિવારના ભોજનમાં સ્થાન લે એ માટે આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારી બહેનોને બાજરાના રોટલાને ઘી અથવા માખણ વડે દેશી ચૂલા પર અને ગેસવાળા આધુનિક ચૂલા પર કેમ બનાવાય તે પણ શીખાડવામાં આવ્યું હોવાનું તુષારી બહેને ઉમેર્યું હતું.
આ પણ વાંચો…ભારતને ટીબી મુક્ત કરવાના દાવા વચ્ચે ગુજરાતમાં 2024માં નોંધાયા અધધ કેસ…
ઘરે રસોઈ બનાવવાની આપણી જૂની પરંપરા શીખી, મિલેટ વર્ષ ૨૦૨૩ના ઉદ્દેશને સાર્થક કરવાની નેમ આ સ્પર્ધામાં વ્યક્ત કરાઈ હતી. આ હરીફાઈમાં બહેનોએ તેમના હાથે બનાવેલા ગરમાગરમ અને સ્વાદિષ્ટ રોટલા ગામના શ્વાનોને ખવડાવવામાં આવ્યા હતા.
સંભવત: કચ્છમાં આ પ્રથમ વખત યોજાયેલી હરીફાઇમાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. પરંપરાગત પદ્ધતિથી આપણી સંસ્કૃતિનું જતન અને જીવદયા પ્રત્યે ભાવના કેળવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. આજના યુવાનોમાં હ્રદયરોગ તરફ ધકેલતા હાઈ કેલેરી ફૂડ પિઝા-બર્ગરનું ચલણ વધારે છે તેની જગ્યાએ રોટલાનો સ્વાદ શરીર માટે પણ લાભદાયક છે અને ખર્ચની પણ બચત છે તેવું જણાવી હરીફાઈના વિજેતાને નારીશક્તિ મહિલા મંડળ દ્વારા સન્માનિત કરાયાં હતાં.
આ અનોખા કાર્યક્રમમાં કેવલ હોમ્સનાં ગીતાબેન ગોર, નિર્ણાયક તુષાબેન પરસાણિયા હાજર રહ્યાં હતાં.