કચ્છમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ; નરાધમે છેડતી કરી સગીરા પર હુમલો કર્યો

ભુજ: ત્રણ વર્ષ પહેલા સુરતમાં બનેલો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજુ પણ લોકો ભૂલી શક્યા નથી, એવામાં કચ્છમાં આવી જ એક ભયાનક ઘટના બની હતી. કચ્છના રણકાંધીના એક છેવાડાના ગામના સીમાડે એક યુવકે 15વર્ષની સગીરાનું ગળું કાપીને હત્યા કરવનો પ્રયાસ કર્યો હતો. યુવકે સગીરાની સતામણી કરી હતી, સગીરાએ વિરોધ કરતા યુવકે ગળામાં છરી ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, ગત 20મી ફેબ્રુઆરીએ સગીરા બપોરે એકાદ વાગ્યાના અરસામાં ઘર પાછળ આવેલા બાવળોની ઝાડીમાં લાકડાં કાપવા ગઈ હતી, આ દરમિયાન ભુજ તાલુકાના સુમરાપોર ગામનો જાવેદ આમદ સુમરા નામનો શખ્સ ત્યાં આવી ચઢ્યો હતો. તેણે સગીરાનો હાથ પકડી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું, યુવકની આ હરકતથી સગીરા ગભરાઈ ગઈ હતી.
આ પણ વાંચો…મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત
સગીરાએ ઈન્કાર કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો, ઉશ્કેરાયેલાં જાવેદે સગીરાનો પીછો કરી ગળામાં છરીના ઘા ઝીંકી દીધા. ગંભીર રીતે ઘાયલ સગીરાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. તબિયતમાં સુધારો થયા બાદ સગીરાએ સમગ્ર બનાવ અંગે વાત કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
હાલ ખાવડા પોલીસે ફરાર થઇ ગયેલા સુમરાપોર ગામના જાવેદ આમદ સુમરા વિરુધ્ધ હત્યાના પ્રયાસ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, પૉક્સો એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.