ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? રાજકોટ બાદ ભુજમાં પતિએ કરી પત્ની હત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ આજના 5G ઈન્ટરનેટના યુગમાં ગેમ્સમાં દર્શાવાતી હિંસા,ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝમાં પીરસાતી હિંસક અને સંબંધ વિચ્છેદની ઘટનાઓ જોઈને લોકોમાં આક્રમકતા વધી છે. જેની સાબિતી આપતી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે તેવામાં ભુજ શહેરના દાદુપીર રોડ પર સરાજાહેર ૨૫ વર્ષીય યુવા પરિણિતા આમરીન અલાના પઢિયારની તેના પતિ ફિરોઝ ઈબ્રાહિમ સિદીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા નીપજાવી દેતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
શું છે મામલો
બનાવ અંગે પી.આઈ એ.એમ.પટેલે પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, મૃતક આમરીન અને તેના પતિ ફિરોઝ વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અલગ રહેતા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે કોઈ અજ્ઞાત બાબતે આક્રોશમાં આવેલા ફિરોઝે ગત ગુરુવારની સાંજના ૭.૩૦ વાગ્યાના અરસામાં ભુજના દાદુપીર રોડ ખાતે આવેલી આમરીનના માથા ઉપર તેના પતિ ફિરોઝે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ આરોપી પતિ ફિરોઝ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાનો એકરાર કર્યો હતો
આ સરાજાહેર ઢીમ ઢાળી દેવાના બનાવના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયેલા લોકોએ ૧૧૨ હેલ્પલાઇન પર જાણકારી આપતાં પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી. ભુજ પોલીસે હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરવા તથા હત્યા પાછળના કારણો જાણવા પૂછપરછ હાથ ધરી હતી.
રાજકોટમાં પણ પતિએ કરી હતી પત્નીની હત્યા
તાજેતરમાં રાજકોટમાં પતિએ પત્નીની હત્યા કરી હતી.થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ધીમે ધીમે શરૂ થયેલી વાતચીત પ્રેમસંબંધમાં પરિણમી હતી. જે બાદ બંનેના પરિવારજનોની મંજૂરીથી લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં નાની નાની વાતમાં ઝઘડા શરૂ થયા હતા.
ઘરકંકાસથી કંટાળીને મૃતક બનાવના ચાર-પાંચ દિવસ પહેલા પતિનું ઘર છોડીને તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. યોગેશ બોરીચા તેની પત્ની જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યો હતો અને બોલાચાલી શરૂ કરી હતી. થોડી જ વારમાં ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ તેની પાસે રહેલી છરી કાઢીને પાંચ જેટલા ઘા પત્નીને ઝીંકી દીધા હતા. જેના કારણે લોહીલુહાણ થઈને ત્યાં જ ફસડાઈ પડી હતી.
આ પણ વાંચો…રાજકોટ ફરી રક્તરંજિત, નજીવી વાતમાં છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા



