ભૂતિયા શિક્ષકો બાદ હવે કચ્છમાં ભૂતિયા બિલનું કૌભાંડ?

ભુજ : સરહદી કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર રહેલાં શિક્ષણ તંત્રમાં ભૂતિયા શિક્ષકોના કૌભાંડ બાદ હવે કથિત રીતે કેટલાક કર્મીઓ દ્વારા પાંચેક વર્ષથી ટીએડીએ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના ઉઠી રહેલા ગંભીર આક્ષેપોથી રાજ્યભરના શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે.
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે, વીતેલા પાંચેક વર્ષથી આઈ.ડી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહેલા એક કર્મચારી દ્વારા કચ્છના વિવિધ તાલુકાઓની મુલાકાતો લીધા વગર જ બોગસ બિલો ઠપકારવામાં આવી રહ્યા છે, તેમજ ભુજના એરપોર્ટ રિંગરોડ પર હોટેલ ધરાવતા અન્ય એક કર્મચારી દ્વારા તેની હોટેલે આવતાં અધિકારીઓનાં નામે ખોટાં બિલો બનાવી ભ્રસ્ટાચાર આચરી રહ્યા છે. આઈડી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહેલા આ કર્મચારીને તાલુકા કક્ષાએ શાળાઓ તેમજ બીઆરસી ભવનની મુલાકાત લેવાની હોય છે, પરંતુ આ કર્મચારીએ ગત વર્ષે ભચાઉ અને રાપર તાલુકાની શાળાઓની મુલાકાત લીધા વિના જ બિલો બનાવી નાખ્યાં છે. દર મહિને રૂપિયા ત્રણ હજારથી લઇ, દસ હજાર સુધીના ટીએડીએ અને અંગત બિલો ઉધારી ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ અરજદાર દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં કરાયો છે.
બીજી તરફ, આ જ વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલા અને એરપોર્ટ રોડ પર હોટેલ ધરાવતા અન્ય એક કર્મચારી દ્વારા કચેરીએ આવતાં-જતા અધિકારીઓ કરતાં વધારે સંખ્યા બતાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું પણ આ પત્રમાં જણાવાયું છે. છેલ્લા પાંચ વર્ષના આ હોટેલનાં બિલોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવું અરજદાર કહી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સમગ્ર શિક્ષાના `બોગસ હિસાબનીશ’ કાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ સમિતિ નીમવાનો તેમને અધિકાર ન હોવાના બહાના હેઠળ યેનકેન પ્રકારે તેમના પાસેથી આ તપાસ છીનવી લેવાઈ હતી.
આપણ વાંચો: VS Hospital scam: ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણના મોતનો દાવો, જવાબદારો સામે ચાર્જશિટ
દરમ્યાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે આવી કોઈ બાબત તેમના ધ્યાનમાં આવી નથી, તેમ છતાં કોઈ રજૂઆત હશે તો યોગ્ય તપાસ કરી નિયમ અનુસાર કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.