ભુજ

અંજારના મેઘપરમાં 30 વર્ષીય યુવતી પર થયો એસિડ હુમલોઃ છ લોકો સામે નોંધાઈ ફરિયાદ

ધંધાકીય સ્પર્ધાની અદાવતમાં ગુનાને અંજામ આપવામાં આવ્યો

ભુજઃ કચ્છના અંજાર અને ગાંધીધામ સંકુલમાં દેહવ્યાપારનો પર્યાય બની ચૂકેલા સ્પા પાર્લરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં અંજારના મેઘપર બોરીચીમાં સ્થિત એક સ્પા સેન્ટરની 30 વર્ષીય યુવતી પર અન્ય સ્પા સેન્ટર સાથે જોડાયેલા છ શખસોએ એસિડ વડે હુમલો કર્યો હતો. કષ્ટભંજન ગેસ્ટ હાઉસ નજીક આવેલા સ્પા સેન્ટરમાં મંગળવારની રાતના અગિયાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.

30 વર્ષીય યુવતી છ શખસોએ કર્યો એસિડ હુમલો

આ સમગ્ર ઘટના અંગે પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એ-વન સ્પાના ભાગીદાર સંચાલક કલ્પેશ દેસાઈ અને શબ્બિર બાયડ સાથે તેમના સાગરીતો ફિરોઝ લંઘો, મયૂર ઠક્કર, વસંત કોલી અને એક અજાણ્યા યુવક મળી છ શખ્સો રાત્રે સ્પામાં આવ્યા હતા. અહીં તાજેતરમાં નોકરીએ લાગેલી પહાડી વિસ્તારની એક યુવતીને બોલાવવા અને તેની પાસે જ મસાજ કરાવવાની માંગણી કરીને માથાકૂટ કરવા લાગ્યા હતા. સ્પાનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને મેનેજરે અંદર આવવાનો ઈન્કાર કરી દેતાં મામલો બિચક્યો હતો.

આરોપીઓએ યુવતીને આપી હતી એસિડ એટેકની ધમકી

આ દરમિયાન રિસેપશન પર દોડી આવેલી અન્ય બે યુવતીઓ સાથે વસંત કોલી અને ફિરોઝ લંઘાએ શારીરિક અડપલાં કર્યાં હતાં. મેનેજર યુવતીએ તેમનો પ્રતિકાર કરવા પ્રયાસ કર્યો ત્યારે બે શખ્સોએ તેણીના હાથ પકડીને માથાના વાળ ખેંચ્યાં હતાં. કલ્પેશ દેસાઈએ થેલીમાંથી એસિડની બોટલ કાઢીને ‘આ ઍસિડ છે અને હું તારો ચહેરો બગાડી નાખીશ’ કહીને તેના ચહેરા પર ઉડાડ્યું હતું. જો કે, યુવતીએ બચાવ કરતા મોટાભાગનું એસિડ તેના હાથ પર પડ્યું હતું, જયારે ચહેરા પર થોડા છાંટા ઉડ્યા હતા.

આપણ વાંચો:  રાજકોટ ભાવનગર હાઈવે પર બોલેરો પુલ પરથી નીચે ખાબકી: બેનાં મોત

જાતીય સતામણી અને એસિડ અટેકની ફરિયાદ નોંધાઈ

યુવતી પર એસિડ નાખીને આરોપીઓ ત્યાંથી ભાગી ગયાં હતાં આ દરમિયાન આરોપીઓએ મેનેજર યુવતીને શબ્બિરે ધમકી આપતા કહ્યું કે, ‘આ વખતે તો તું બચી ગઈ છે, બીજી વખત આવશું ત્યારે તને જાનથી મારી નાખશું અને તારો ચહેરો બગાડી નાખશું’. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ કલ્પેશ અને શબ્બિર સહિતના આરોપીઓ પર જાતીય સતામણી કરી પોતાના પર એસિડ અટેક કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે અંજાર પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button