ચાંદની હત્યા કેસનો આરોપી ફરારઃ 2007ની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી
ભુજઃ જે-તે સમયે ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ચાંદની હત્યા કેસમાં ભુજની પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી સજા ભોગવી રહેલો જુનાગઢનો પાકા કામનો કેદી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે.
આ આરોપી વડી અદાલતના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો જે બાદ પરત હાજર ન થતા તેને શોધવા પોલીસ વિભાગ દોડતું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢના બિલખા માર્ગ પાસે રહેતો આરોપી મહેશ ઉર્ફે ભદો મુળજી ચૌહાણ ભુજની પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી હત્યા અને બળાત્કારના ગુનાની સજા ભોગવતો હતો.આરોપી મહેશે સહ આરોપી મોહન હમીર ગોહેલ સાથે મળી વર્ષ ૨૦૦૭માં જુનાગઢની ઉપલા દાતારની તળેટીમાં રાજકોટની ૧૫ વર્ષીય ચાંદની અને તેની બહેનપણીને જંગલમાં લઇ જઈ ચાંદનીની હત્યા નીપજાવી બહેનપણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ચર્ચાસ્પદ બનેલા ગુનામાં પાકા કામના કેદી તરીકે રહેલો આરોપી મહેશ હાઈકોર્ટના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર છુટ્યો હતો.
ગત ૨૬મી નવેમ્બરના પાલારા જેલમાંથી નીકળ્યા બાદ આરોપીને ૪ ડીસેમ્બરના પાલારા જેલમાં પરત હાજર થવાનું હતું.પરંતુ આરોપી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો.જેથી પાલારાના જેલર ગ્રુપ-૨ના એ.જી.વ્યાસે આ મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ તળે ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચો…બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાના વિભાજનની પણ ચર્ચા; અમદાવાદ-ગાંધીનગરનું થઈ શકે છે વિભાજન…
2007માં ઘટેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને આરોપીને સજા મળે તે માટે ખાસ કરીને કોળી સમાજે ઠેરઠેર રેલીઓ કાઢી સરકાર પર દબાણ લાવ્યું હતું.