ભુજ

પાણીમાં ડૂબતા બે જિંદગી હોમાઈ: ભુજમાં ૪ વર્ષની માસૂમ બાળાનું અને કિડિયાનગરમાં પરિણીતાનું કરુણ અવસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છમાં અકાળ મૃત્યુની બનેલી જુદી-જુદી દુર્ઘટનાઓમાં ૧૯ વર્ષની યુવાન પરિણીતા સહીત ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ભુજ શહેરમાં રહેનાર ચાર વર્ષીય તમરા સુલેમાન શેખ રમતાં-રમતાં ઘરના પાણીના ટાંકામાં ગરક થઇ જતાં આ માસૂમ બાળાનું મોત થતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો, જયારે સીમાવર્તી રાપરના કિડિયાનગરમાં રહેનાર લીલીબેન કેસા કોળી (ઉ.વ.૩૦)એ ગામના તળાવમાં ડૂબી જતાં જીવ ખોયો હતો. બીજી બાજુ ગાંધીધામનાં ઇફકો (ઉદયનગર)માં રહેનાર વર્ષાબેન અશ્વિન મકવાણા (ઉ.વ.૨૩), અને બંદરીય મુંદરાની ભાતીગળ ટુંડાવાંઢમાં મૂળ ઉત્તરપ્રદેશના ૨૫ વર્ષીય સંજય રામબહાદુર ચૌધરીએ ગળેફાંસો ખાઇ પોતાના જીવ દીધા હતા.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજના ભૂતેશ્વર ફળિયામાં રહેતા સુલેમાન અબુબકર શેખની ચાર વર્ષની બાળકી તમરા ગત બપોરે ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે અકસ્માતે ખુલ્લા પડેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી ગઇ હતી. દોડી આવેલા પરિવારજનોએ તમરાને ત્વરિત ટાંકામાંથી બહાર કાઢી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કરી દેતાં બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડૂબવાથી થયેલા મૃત્યુનો બીજો બનાવ રાપરના કિડિયાનગરમાં બન્યો હતો જેમાં અહીં રહેનાર લીલીબેન નામની પરિણીતા ગઇકાલે બપોરે તળાવમાં પાણી ભરવા માટે ગઈ હતી,પરંતુ લાંબા સમય સુધી પરત ન આવતાં પરિવાજનોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન તળાવ પાસેથી પાણી ભરવાના વાસણો જોવા મળતાં ભચાઉ અગ્નિશમન દળને જાણ કરવામાં આવતાં સ્થળ પર પહોંચેલી બચાવ ટુકડીએ બે-ત્રણ કલાકની શોધખોળના અંતે તળાવમાંથી પરિણીતાની લાશ બહાર કાઢી હતી.

અપમૃત્યુનો અન્ય બનાવ ગાંધીધામની ઇફકો વસાહતમાં બન્યો હતો જેમાં અહીં રહેતા વર્ષાબેન નામની પરિણીતાએ ગઇકાલે પોતાના ઘરે અગમ્ય કરણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. એક વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ મહિલાએ શા માટે અંતિમ પગલું ભર્યું એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કચ્છી ભૂંગા માટે પ્રખ્યાત મુંદરા તાલુકાની ટુંડાવાંઢમાં સ્થિત સોલાર નેશલ વેરહાઉસની પાછળ મૂળ ઉત્તરપ્રદેશના સંજય ચૌધરી નામના યુવકે રેચર્ડ બેલ્ટ મશીનમાં બાંધેલા બેલ્ટને પોતાના ગળામાં બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી કરી લેતાં પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી. મુંદરા પોલીસે ઘટના સંદર્ભે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button