કચ્છમાં લાભપાંચમના દિવસે ભચાઉ પાસે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર પિતા-પુત્રના કરૂણ મોત

ભુજ: કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ લાભપાંચમના સપરમા દિવસે ભચાઉ પાસેના છ માર્ગીય ધોરીમાર્ગ પર અજ્ઞાત વાહનની પાછળ ટકરાયેલી કારમાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જયારે પત્ની અને પુત્રીને ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જયારે ગાંધીધામમાં લોડર સાથે નડેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોટર સાઈકલચાલકે દમ તોડી દીધો હતો.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રવિવારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ભચાઉ નજીક આવેલી વેલોરા પ્લાય કંપની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ભચાઉ તાલુકાના નંદગામના વિજયભાઈ ચંદુભાઈ ગોહિલ (ઉ.વ. ૪૦) તેમના પરિવાર સાથે મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કારમાં સવાર થઈને લલિયાણાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલા અજ્ઞાત ભારે વાહનની પાછળ તેમની કાર અથડાઈ જતાં વિજયભાઈ અને તેમના ૭ વર્ષીય પુત્ર દીપને ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જયારે કારમાં પાછળની સીટ પર બેઠેલા ભાવનાબેન વિજયભાઈ ગોહિલ (ઉ.વ.૩૫) તથા કાવ્યા વિજયભાઈ ગોહિલ (ઉ.વ. ૧૩)ને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેને સારવાર તળે રખાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. લાભપાંચમના સપરમા દિવસે સર્જાયેલા આ પ્રાણઘાતક અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યનાં અકાળ મૃત્યુને લઈને કચ્છ સહીત બૃહદ કચ્છમાં ગમગીની પ્રસરી હતી.
બીજી તરફ, ગાંધીધામના ઝોન પુલિયા પાસે બંશલ હોટલ સામેના માર્ગ ઉપર ગત રાત્રિના અરસામાં જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં લોડર અને સામેથી આવતા મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં દ્વિચક્રી વાહન ચાલક એવા હિતેશ બીજિયા કટારાનું જીવલેણ ઇજાઓને પગલે મોત થતાં પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



