અબડાસા વન વિભાગની લાલ આંખ, મોથાળામાં અતિક્રમણનો સફાયો

ભુજઃ સીમાવર્તી કચ્છમાં દબાણની પ્રવૃત્તિ સતત વધી રહી છે તેવામાં અબડાસા તાલુકાના મોથાળા ગામ નજીક જંગલખાતા માટે અનામત રાખવામાં આવેલી કિંમતી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયેલા ૧૦થી વધુ અતિક્રમણોને વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે સ્થાનિક ઇન્ચાર્જ મામલતદાર ટી.એચ.વ્યાસે જણાવ્યું હતું કે, મોથાળા ગામના સર્વે નં.૧૦૫૬ અને ૧૦૬૫/૨ પૈકીની જંગલ ખાતાં માટે અનામત રાખવામાં આવેલી કિંમતી સરકારી જમીન પર દબાણકારોએ પાકાં બાંધકામ ચણી નાંખ્યા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
મામલતદાર કચેરી, અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદા તળેનો કેસ ચલાવી મંજૂરી અને જમીનના આધાર-પુરાવાઓ ન હોતાં ગુજરાત સરકાર અનામત જંગલ પૈકીની જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થયું હતું. દબાણકર્તાઓને નોટિસો આપવા છતાં જમીન ધરાર ખાલી ન થતાં મામલતદાર કચેરીના અધિકારીઓ તથા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ૧૦ જેટલા બાંધકામો પર બુલડોઝર ફેરવી, ૨૮૬૫ ચોરસ મીટરની જમીન દબાણ મુક્ત કરી દેવામાં આવી હતી.
(ઉત્સવ વૈદ્ય)



