અબડાસા તંત્ર એક્શન મોડમાં: ૨૦૭ એકર ગૌચર જમીન પચાવી પાડનાર શખ્સના દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના વિંગાબેર ગામમાં સ્થિત ગૌચરની કિંમતી જમીન પર ચણી દેવામાં આવેલાં દબાણોને હટાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.
પશ્ચિમ કચ્છ વિસ્તારના પોલીસ વડા વિકાસ સુંડાની સૂચના બાદ, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી દ્વારા પચાવી પાડવામાં આવેલી અંદાજે ૨૦૭ એકર જેટલી સરકારી ગૌચર જમીનને પોલીસ અને મહેસૂલ વિભાગના સંયુક્ત કાફલાએ ભારે મશીનરીની મદદ વડે દબાણમુક્ત કરાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, વિંગાબેર ગામના સર્વે નંબર ૨૧૫,૨૧૮ અને ૨૨૦ ઉપર આવેલી ગૌચરની જમીન પર પ્રોહિબિશનના બે જેટલા ગુનામાં સંડોવાયેલા વનરાજાસિંહ ટપુભા સરવૈયા દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું.
અસામાજિક તત્વો તેમજ રાજકીય ઓઠા હેઠળ ફાવી ગયેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ આદરેલી ઝુંબેશના ભાગરૂપે આ દબાણ હટાવવા માટે વહેલી સવારથી જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર ત્રાટક્યો હતો.
આ દબાણ હટાવવાની કામગીરીમાં ડી.વાય.એસ.પી બી.બી. ભગોરાનાં માર્ગદર્શન હેઠળ નલિયા પી.આઈ. વી.બી. ઝાલા, કોઠારા પી.આઈ. પી.કે. રાડા અને જખૌ પી.એસ.આઈ. રાજવીરાસિંહ ગોહિલ સહિતનો પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રહ્યો હતો. આ દબાણ હટાઓ કામગીરીમાં અંદાજે ૨૦૭ એકર જેટલી વિશાળ જમીનને ખુલ્લી કરવામાં આવી હતી જેનો ઉપયોગ ગાયોનાં ચરિયાણ માટે ગૌચર તરીકે થશે. પ્રોહિબિશનના આરોપી દ્વારા સરકારી જમીન દબાવીને કરાતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર તંત્રએ બ્રેક લગાવી દેતા પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પણ સરકારી કે ગૌચરની જમીન પર દબાણ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ વિંગાબેરના સરપંચ જયેન્દ્રાસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.



