આદિપુરમાં માથાફરેલ યુવકે પોલીસ સ્ટેશનમાં મચાવ્યો ઉત્પાત, જવાનને બચકું ભરી લીધું

ભુજ: કચ્છના આદિપુર શહેર નજીક આવેલા શિણાય ગામ ખાતે રહેનારા એક માથાભારે યુવકે જૂની અદાવતમાં આદિપુર પોલીસ મથકમાં ઉત્પાત મચાવી ટ્રાફિક બ્રિગેડના એક જવાનના અંગુઠાને કરડી ખાતાં રાજ્યભરના પોલીસબેડામાં ભારે ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો: દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા આદિપુરના ફાઈનાન્સરને ગોવાની કોર્ટે નિર્દોષ કર્યો મુક્ત…
હોસ્પિટલમાં કોઈ મુદ્દે વિવાદ
આદિપુર પોલીસે આ ચોંકાવનારા બનાવ અંગે જણાવ્યું હતું કે, ત્રણેક માસ અગાઉ રોશન વિષ્ણુનાથ રાય નામના યુવકે આદિપુરની ડિવાઈન લાઈફ નામની ખાનગી હોસ્પિટલમાં કોઈ મુદ્દે વિવાદ કર્યો હતો. હોસ્પિટલના મેનેજમેન્ટે પોલીસ મથકમાં જાણ કરતાં બીટ ઈન્ચાર્જ કનુ ગઢવી સહિતના પોલીસ જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને હોસ્પિટલને માથે લેનારા રોશનને અટકમાં લઇ તેના સામે કાર્યવાહી કરી હતી.
તારી વરદી ઉતરાવી દઈશ….
આ ઘટનાના ત્રણ માસ બાદ રોશને કનુ ગઢવીને ફોન કરીને ‘તું મને કેમ હોસ્પિટલમાં ખોટી રીતે દબાવતો હતો અને જેમ તેમ બોલતો હતો?’ કહીને ઝઘડો કર્યો હતો. થોડીકવાર બાદ તે આદિપુર પોલીસ મથકમાં આવી ચઢ્યો હતો અને ફરજ પર હાજર કનુ ગઢવીને ‘તારી વરદી ઉતરાવી દઈશ, તને જીવતો નહીં મૂકું’ કહીને ઉત્પાત મચાવ્યો હતો.
ટીઆરબી જવાનને ભરી લીધું બચકું
ફરિયાદમાં દર્શાવ્યા મુજબ રોશને કનુ પર હુમલો કરવા પ્રયાસ કર્યો પરંતુ ટીઆરબી જવાન જીવા આહીર વચ્ચે પડતાં રોશને તેના ડાબા હાથના અંગુઠામાં બચકું ભરી લીધું હતું.પોલીસ મથકમાં આવીને દાદાગીરી કરનાર રોશનની સરકારી રાહે સરભરા કરીને સરકારી ફરજમાં રૂકાવટ, મારી નાખવાની ધમકી આપવા સબબની કલમો તળે ગુનો નોંધીને તેને જેલની હવા ખાતો કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.