ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી ફ્લાઈટ, પણ આ માગણી ક્યારે પૂરી થશે?

ભુજ: ભુજથી મુંબઈ હવાઈ માર્ગે આવવા-જવા માટે ફ્લાઈટની માગણી કરતા ભુજથી દરરોજ સવારે ૮.૫૫ કલાકે એર ઇન્ડિયા અને ૮.૪૫ કલાકે એલાયન્સ એરની ફલાઈટ મુંબઈ માટે ઉડાન ભરે છે. દૈનિક ૨૫૦ ઉતારુઓની ક્ષમતા સાથેની આ બંને ફલાઈટ મોટેભાગે હાઉસફુલ હોય છે, ત્યારે લાંબા સમયથી બપોર પછી મુંબઈ માટે એક ફલાઇટ શરૂ કરવામાં આવે તેવી લોક માંગણીને ધ્યાનમાં રાખીને ૧૦ મેથી ભુજ-મુંબઈ વચ્ચે ત્રીજી દૈનિક ફલાઇટ શરૂ થવા જઈ રહી છે, તેવા અહેવાલો છે. આ ફ્લાઇટ મુંબઇથી બપોરે ૧૨.૧૦ કલાકે ઉડાન ભરીને, ભુજ ૧૩.૩૫ કલાકે પહોંચશે અને ભુજથી બપોરે ૨.૦૫ કલાકે ઉપડી બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ પહોચશે. ઓનલાઈન બુકિંગ ચાલુ થઈ ગયું છે અને તેનું ભાડું રૂ. 5000ની આસપાસ રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.
ભુજથી મુંબઈ આવતા લોકોમાં ઘણા મુસાફરો એવા છે જે અન્ય દેશમાંથી પહેલા મુંબઈ આવે છે અને ત્યારબાદ ભુજ આવે છે. આવા પ્રવાસીઓમાં નોંધપાત્ર સંખ્યા મસ્કતથી આવતા કચ્છીઓની પણ છે. કચ્છીઓ દેશવિદેશમાં કામધંધા માટે વિસ્તર્યા છે. મસ્કતમાં લગભગ 1500 ગુજરાતી પરિવારો વસવાટ કરે છે, જેમાંથી 500 જેટલી સંખ્યા કચ્છીઓની છે. જેમણે મસ્કતથી ગુજરાત કે કચ્છ આવવા માટે ચેન્નઈ કે મુંબઈ થઈને આવવું પડે છે.
કચ્છ ગુજરાતી સમાજના અગ્રણી ડૉ. ચંદ્રકાન્ત ચોટાણીએ જણાવ્યું હતું કે અમે વારંવાર રાજ્ય અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે મસ્કતથી અમદાવાદ એક ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવે. કોરોના પહેલા અઠવાડિયામાં ઘણી ફ્લાઈટ્સ મળતી હતી અને સારો ટ્રાફિક પણ રહેતો હતો. કોરોના બાદ મોટાભાગના રૂટ્સ ખૂલી ગયા છે, પણ મસ્કત અને ગુજરાતનો રૂટ બંધ છે. મોટી ઉંમરના હોય, પ્રેગનન્ટ લેડીઝ હોય અથવા તો કોઈપણને આને લીધે તકલીફ પડી રહી છે. આથી આ રૂટ વચ્ચે ફ્લાઈટ શરૂ થાય તેવી અમારી માગણી છે.
આપણ વાંચો: અંબાજી મંદિરમાં બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં, જાણો શું છે કારણ