ભુજ

પૂર્વ કચ્છના ગુનેગારોમાં ફફડાટ: અંજાર પોલીસનું મિશન ક્લીન; ત્રણ શખ્સો વિરુદ્ધ ‘ગુજસીટોક’ કર્યો દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ઔદ્યોગિક હબ સમા પૂર્વ કચ્છમાં સંગઠિત થઇને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા રહેતા ત્રણ શખ્સ વિરુદ્ધ અંજાર પોલીસ દ્વારા ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને અવારનવાર ગુના આચરતા રહેતા આરોપીઓ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ ૨૦૧૫’ મુજબ, શિક્ષાપાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા હોઈ, તેમની સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધીક્ષક સાગર બાગમારએ આદેશ કર્યા હતા. અંજારમાં રહેતા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા (ગુંસાઇ), દેવાંગ દિલીપ ચાવડા તથા મેઘપર બોરીચી લખુબાપા નગરના ખુશાલ રમેશગર ગોસ્વામી નામના શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ આરોપીઓ લૂંટ, પ્રોહિબિશન, એટ્રોસીટી, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે. ખુશાલ વિરુદ્ધ સાત, દેવાંગ વિરુદ્ધ ચાર તથા કિશોર વિરુદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે. આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી પોલીસે ન્યાયાલયની પરવાનગી માગી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં આ ટોળકી સામે ગુજસીટોકની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, અંજાર પોલીસે અગાઉ વ્યાજખોર રિયા ઇશ્વર ગોસ્વામી, આરતી ઇશ્વર ગોસ્વામી, તેજસ ઇશ્વર ગોસ્વામી, શબીર ઉર્ફે સબલો અઝરૂદ્દીન બાયડ, ફિરોઝ રજુ લંઘા, વસંત ઉર્ફે વસલો, રમેશ કોળી તથા હાલમાં આ ત્રણ સામે ગુજસીટોક દાખલ કર્યા હતા. જ્યારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમણ, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, કાસમ અલી મથડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ મથડા, અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, ઉમર ઉર્ફે ભૂરો કાસમ ચાવડા, અકરમ ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા અને જુમા આમદ સેહા સામે પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અર્જુન નાગજણ ગઢવી, દિનેશ ઉર્ફે ડિંકો બાબુલાલ પરિહાર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી આદરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો ગ્રીન એનર્જીમાં ગુજરાતનો ડંકો: દેશની કુલ નવીનીકરણીય ઊર્જામાં ૧૬.૫૦ ટકા સાથે દેશમાં મોખરે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button