કચ્છમાં આવેલા મરિન નેશનલ પાર્કના પિરોટન ટાપુ નજીક ડોલ્ફીનનો જમાવડો

ભુજઃ કચ્છના અખાતમાં અરબી સમુદ્રમાં આવેલા મરીન નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં ડોલ્ફિન મહાકાય માછલીઓએ પડાવ નાખ્યો છે અને હાલે તેની પ્રજનનની મોસમ તાજેતરમાં પૂર્ણ થઇ હોવાથી વધુ ને વધુ ડોલ્ફિન સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેના દરિયામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં આવેલા કચ્છના અખાતના દક્ષિણ છેડે ૩૮૦ કિલોમીટરના વિશાળ વિસ્તારને ૧૯૭૨ના વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ મરીન નેશનલ પાર્ક તરીકે રક્ષિત જાહેર કરાયો છે. આ વિસ્તારમાં ૪૨ જેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે જેમાં પિરોટન અને ચાખ મુખ્ય છે. ઓખાથી જોડિયા અને રોજી બંદરથી કચ્છ સુધીના વિશાળ દરિયામાં કોરલ રીફ, કરચલા, કાચબા, અસંખ્ય પ્રકારની માછલીઓ અને ડોલ્ફિન માછલીઓની જુદી જુદી જાતો વિચરતી જોવા મળે છે. સમુદ્રની જૈવિક સંપત્તિ અને તેના પર્યાવરણ વિષયમાં રસ ધરાવતા દુનિયાભરના સંશોધકો આ વિસ્તારમાં આવતા રહે છે.
આપણ વાંચો: ગજબ ! ગુજરાતના સાબરકાંઠામાં 12 હજારના પગારદારને આવકવેરા વિભાગની 36 કરોડની નોટિસ…
દર વર્ષે કચ્છના પશ્ચિમી સાગર કાંઠાના અબડાસા વિસ્તારમાં ફૂલગુલાબી ઠંડીનું આગમન શરૂ થતાં અફાટ સમુદ્રમાં વિહાર કરતાં ડોલ્ફીનના સમૂહો કિનારા નજીક પહોંચી આવે છે, આ ઉપરાંત વિશાળકાય કાચબાઓ પણ કચ્છના અખાતના વિવિધ ટાપુઓ ઉપર દેખાતાં એક અદભુત નજારો હાલે જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે હાલ ૧૦થી ૧૫ ડોલ્ફીનના સંખ્યાબંધ ટોળાં કચ્છને અડીને આવેલા અરબી સમુદ્રમાં પહોંચી આવ્યા છે. આ વિસ્તારમાં એટલી બધી સંખ્યામાં ડોલ્ફિન આવે છે કે આ જગ્યાને ડોલ્ફિન પ્લે ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.