પરસેવો પાડી કમાયેલી લાખોની કમાણી ખેડૂતે એક ઢોંગીબાબાની જાળમાં ફસાઈ ગુમાવી

ભુજઃ આજના જેટ યુગમાં પણ અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાવવાના સેંકડો બનાવો લગભગ દરરોજ સામે આવી રહ્યા છે તેવામાં પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના સંગમનેર ગામમાં રહેતા એક ખેડૂતને એક ઢોંગી મહંતના કારણે પોતાની ૫૨ લાખથી વધુની માલમતા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ચોંકાવનારા બનાવ અંગે ભોગ બનનારા પરસોતમ મનજીભાઇ છાભૈયા નામના ૬૧ વર્ષના ખેડૂતે દુધઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૧૯-૮ના સવારના અરસામાં ગામના હનુમાન મંદિર પાસે બેઠા હતા, ત્યારે જી.જે.૧૨ ડીએક્સ-૬૭૮૯ નંબરની સ્વીફ્ટ કારમાં એક ભગવા કપડા પહેરીને આવેલા ઢોંગી મહંતે કાળો પીવડાવવાની માંગ કરતાં વૃદ્ધ ખેડૂતે તેમને પ્રેમપૂર્વક ઉકાળો પિવડાવ્યો હતો. બાદમાં આ મહંતે પોતાની ઓળખ નલિયાના પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ ખાતે આવેલા આશ્રમનો મહંત હોવાની આપી હતી અને પોતે જૂનાગઢ જવાનું કહી, પરસોતમ ભાઈનો મોબાઈલ નંબર લઈને ચાલ્યો ગયો હતો. બીજા દિવસે આ શખ્સે ફોન કર્યો અને ‘તમારા નામે મને સપનું આવ્યું હતું, જેમાં તમારું દુ:ખ દૂર કરવા કુદરતે મને નિમિત્ત રાખ્યો છે,તેમ કહી રૂબરૂ આવી વાત કરવા અને ત્યાર સુધી કંકુ, ચોખા,માટલું, અગરબત્તી તૈયાર રાખવાનું જણાવ્યું હતું. બીજા દિવસે આ કહેવાતો મહંત સ્વીફ્ટ કારમાં ખેડૂતના ઘરે આવ્યો હતો. પૂજાપાનો સમાન લઈને બંને સુખપરની સીમમાં આવેલા પરસોતમ ભાઈના ખેતરે ગયા હતા, જ્યાં ખેતરના શેઢે ખાડો ખોદી તેમાં માટલું, કંકુ, ચોખા મૂકી અગરબત્તી કરાવી આ શખ્સે વિધિ કરાવી હતી. માટલું દાટીને બંને નીકળી ગયા હતા અને ફરિયાદીને સાંજે ફોન કરી ખેતરે જવા કહ્યું હતું. ફરિયાદી ખેતરે જઈ માટલું ખોદતાં તેમાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, શેષનાગવાળી લક્ષ્મીનારાયણની મૂર્તિ, ગ્રે રંગના ૧૫ સિક્કા મળી આવ્યા હતા. અચંબિત થયેલા ખેડૂતે આ ચમત્કાર બાબતે ઠગને ફોન કર્યો જેમાં તેણે લક્ષ્મીજી સ્વયં તમારા પર પ્રસન્ન થયાં છે અને તમારા ખેતરમાં તેમનો વાસ છે. તમારા ઘરમાં રહેલા દાગીના, રોકડ રકમ ડબ્બામાં ભરીને દાટી નાખો, તમારું ધન ડબલ થઈને જમીનમાંથી બહાર નીકળશે, લક્ષ્મીજી તમારા ખેતરમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યાં છે. તમારું તમામ ધન તાત્કાલિક દાટી દો તેવી વાત કરી હતી.
વિશ્વાસમાં આવી જઈને તેમના જૂના સમયના દાગીના જેમાં ૪૦ ગ્રામની સોનાંની પોંચી, ૪૦ ગ્રામનો હાર, ૬૭ ગ્રામની નવ વીંટી, સો ગ્રામનું સોનાનું બિસ્કિટ, ૧૫ ગ્રામની સોનાંની ચેન, ૪૦ ગ્રામનું સોનાંનું મંગળસૂત્ર તથા દાડમ, મગફળી, એરંડાના પાકની થયેલી રોકડ આવક રૂા.૨૨,૦૦,૦૦૦ એક ડબ્બામાં ભરીને ખેતરે લઈ જઈને શેઢામાં દાટી, નિશાની માટે ઈંટ મૂકી દીધી હતી.
ઠગે અહીં સવાર-સાંજ ધૂપ-અગરબત્તી કરવાનું અને તા. ૧૧-૯ના દાટેલી સામગ્રીઓને ખોલવાનું કહ્યું હતું.
૧૧મી તારીખના કહેવાતા મહંતને ફોન કર્યો જે તેણે ઉપાડયો ન હોતો, બાદમાં મોબાઈલ બંધ કરી નાખ્યો હતો. ભોગ બનનારને શક જતાં શેઢામાંથી ડબ્બો કાઢતાં અંદરથી રૂા. ૫૨,૨૦,૦૦૦ની આ મતા ગૂમ જણાઈ આવી હતી. આઘાતમાં સરી ગયેલા ખેડૂતે પિંગલેશ્વર આશ્રમ ખાતે તપાસ કરતાં આવો કોઈ મહંત ત્યાં ન હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ આ ગતિવિધિ દરમ્યાન ઠગબાજ મહંતનો ફોટો પાડી લીધો હતો, જેના આધારે તપાસ કરાતાં આ શખ્સ વાદીનગર ભચાઉનો રમેશનાથ ધીરાનાથ વાદી હોવાનું બહાર આવ્યું હતું. દુધઈ પોલીસે આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આપણ વાંચો: અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જેલમાં સરેન્ડર કરવું પડશે