કચ્છમાં કાળમુખા ટ્રકે બેના જીવ લીધા, નખત્રાણા અને ભચાઉ પંથકમાં માતમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. નખત્રાણા પંથકના ધાવડા નજીક ટ્રેઈલર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાબુ ઓસમાણ કોળી (રહે. સુરલભિટ્ટ નખત્રાણા) (ઉ.વ. ૩૫)નું મોત થયું હતું. તેમજ ભચાઉના કુંજીસર નજીક સામેથી આવતી ટ્રકે મોટરસાઈકલને અડફેટમાં લેતાં ચિરાગ ચંદ્રકાંત બાવાજી નામના યુવકે જીવ ખોયો હતો. જયારે આ દુર્ઘટનામાં અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, નખત્રાણાના ધાવડાથી ભુજ તરફ જતા માર્ગ પર મોટરસાઇકલ (નંબર જી.જે.૧૨- ડીએફ ૧૯૮૮) પર બાબુ કોળી મોટરસાઇકલ વડે પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી ધસી આવેલા ટ્રેઈલર (નંબર જી.જે ૧૭-એક્સ એક્સ ૭૦૧૪) એ હડફેટમાં લેતાં બાબુ કોળીનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી હતી. અકસ્માત બાદ બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ બેફામ ગતિથી દોડતા ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ લાદવા માંગણી કરી હતી.
બીજો જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના કુંજીસર ગામથી ખારોઈ જતા ધોરીમાર્ગ પર બનવા પામ્યો હતો. જેમાં ચોબારીમાં રહેનાર અશ્વિન જયંતી લુહાર અને તેનો મિત્ર ચિરાગ બાવાજી મોટરસાઇકલ (નંબર જી.જે.૩૯ ઈ ૭૬૮૨) પર ઘરવખરીનો સામાન લેવા ભચાઉ ગયા હતા. ત્યાંથી આ બંને પોતાનાં ઘર પરત જઈ રહ્યા હતા એ વેળાએ સામેથી પૂરપાટ વેગે આવતી ટ્રક (નંબર જી.જે. ૦૬-બી-એક્સ-૩૫૨૦) એ આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં મોટરસાઈકલને ટક્કર મારી દેતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ચિરાગને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…નડિયાદ-કપડવંજ હાઈવે પર ગોઝારો અકસ્માત: રિક્ષા-બાઈક વચ્ચેની ટક્કરમાં માતા-પુત્રીનું કરૂણ મોત


