કચ્છના ધોરીમાર્ગો પર યમરાજાનો પડાવ: છ માર્ગ અકસ્માતમાં આઠ મોત

ભુજઃ તહેવારોના ઉત્સાહ વચ્ચે સરહદી કચ્છના ધોરીમાર્ગો પર જાણે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલા વિવિધ છ જેટલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બનાવોમાં આઠ લોકોના અકાળે મોત થતાં ફરી માર્ગ સલામતીનો વિષય ચર્ચામાં આવ્યો છે.
ચોપડવા નજીક પેસેન્જર રિક્ષાને ટ્રેઈલરે હડફેટમાં લેતાં છાડવારાના બાબુ રણછોડ કોળી (ઉ.વ. ૩૫) અને તેની માતા મંગુબેન રણછોડ કોળી (ઉ.વ.૫૫)નું મોત થયું હતું તેમજ વરસાણા પુલ નજીક આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ભટકાતાં કનૈયા યાદવ તથા પાછળથી ટ્રકના ચાલકનું મોત થયું હતું, જ્યારે કંડલામાં બૂલેટ મોટરસાઈકલને ટેન્કરે ટક્કર મારતાં ધીરેન્દ્ર ઝાંગી યાદવ (ઉ.વ. ૩૨)એ જીવ ખોયો હતો, જવાહરનગર પુલિયા પાસે મોટરસાઈકલ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં માણક કુસારામ મેઘવાળ નામના યુવકે પોતાના પ્રાણ ગુમાવ્યા હતા, જયારે ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં બે ભારે વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં રાજકુમાર શંકર રાય (યાદવ) (ઉ.વ. ૨૪)નો જીવ ગયો હતો તથા માથકના માર્ગ ઓળંગતા લુખર રામજતન માંઝીને બસે અડફેટમાં લેતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભચાઉના ચોપડવા નજીક ગોલ્ડન હોટલ સામે ગત મોડી રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં છાડવારામાં રહેનાર બાબુ કોળી તેના માતા સહિતના અન્ય પરિજન પડાણાથી છકડામાં આવી રહ્યા હતા એ દરમ્યાન ચોપડવા પાસે પાછળથી ટ્રેઈલરે ટક્કર મારતા છકડામાં સવાર તમામ ઉતારુઓને ઈજાઓ પહોંચી હતી, ગંભીર રીતે ઘાયલ બાબુ કોળી તથા તેના માતા મંગુબેનનું મોત થયું હતું, જ્યારે આ યુવાનની દીકરી શીતલ (ઉ.વ.૬) અને સુનીલ જેસિંગ કોળી (ઉ.વ.૨૫)ને ઈજાઓ થતાં બંનેને સારવાર અર્થે લઈ જવાયા હતા.માસૂમ દીકરીની નજર સમક્ષ પિતા અને દાદીનું મોત થતાં ભારે ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ એક જીવલેણ બનાવ વરસાણા પુલ પાસે બન્યો હતો જેમાં મુકેશ યાદવ અને ભોલા યાદવ નામના યુવાનો ટ્રક નંબર જીજે-૧૨-એવાય-૦૯૯૮માં લાકડા ભરીને માળિયા બાજુ જવા નીકળ્યા હતા. પુલ પાસે તેમનું વાહન બંધ પડતાં ચાલક મુકેશ ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ક્લિનર ભોલા નીચે ઊતરીને જોવા જતાં પાછળથી આવતી ટ્રક નંબર પીબી-૦૫-એબી-૬૮૭૮એ અડફેટમાં લીધેલા ભોલાને તથા અકસ્માત સર્જનારા ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મુકેશને ઈજાઓ પહોંચી હતી. વીરેન્દ્ર પોલુ સદાનીએ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાણઘાતક અકસ્માતનો ત્રીજો બનાવ બપોરના અરસામાં કંડલા ખાતે બનવા પામ્યો હતો જેમાં અંતરજાળમાં રહેનાર વીરેન્દ્ર યાદવ તેના બૂલેટ (નંબર જીજે-૩૯-એચ-૦૨૦૭) પર ગાંધીધામથી કંડલા રાઇડિંગ ગિયર પહેરીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી ધસી આવેલા ટેન્કર (નંબર જીજે-૧૨-બીવાય-૬૭૭૦)એ બૂલેટને હડફેટમાં લેતાં સર્જાયેલા અકસ્માતમાં હતભાગીનું સારવાર અગાઉ મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલક વિરુદ્ધ હરેન્દ્ર ઝાંગી યાદવે ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારનો વધુ એક બનાવ જવાહર નગરના પુલિયા પાસે બન્યો હતો જેમાં અર્જુન માંગીલાલ મેઘાવાળ અને તેનો પિતરાઈ ભાઈ માણક ફુસારામ મોટરસાઇકલ પર સવાર થઈને રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યા હતા. આ બંને પુલ પાસે પહોંચતાં પાછળથી આવતી ટ્રક નંબર જીજે-૧૦-ઝેડ-૮૩૭૭) એ દ્વિચક્રી વાહનને હડફેટમાં લેતાં માણકનું ગંભીર ઇજાઓને પગલે ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ફરિયાદીને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. દરમ્યાન, ભારે વાહનોની અવરજવરથી સતત ગાજતા રહેતા ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર જઈ રહેલા ટ્રક નંબર જીજે-૧૨-એટી-૬૩૪૬ને અન્ય ભારે વાહને ટક્કર મારી દેતાં ગંભીર રીતે ઘાયલ રાજકુમાર નામના ચાલકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. તેના ભાઇ સુધીરકુમાર યાદવે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.
બીજી તરફ, અંજારના માથક નજીક ગત તા. ૧૭-૮ના રોજ અપમૃત્યુનો બનાવ બનવા પામ્યો હતો જેમાં અહીં રહીને મજૂરીકામ કરતા મૂળ બિહારના લુખર માંઝી નામના આધેડ માથક નજીક માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે બસ નંબર જીજે-૦૪-એટી-૬૮૬૬) એ તેમને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેમણે જીવ ખોયો હતો. બસ ચાલક સામે તેમના દીકરા નીતિશ માંઝીએ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં