ભુજ

ધાણેટી ગામની ફેક્ટરીમાં નિર્માણધીન પાણીના ટાંકામાં સાત વર્ષની બાળકી ડૂબી

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં ફરી વળેલાં કાળચક્રમાં એક સાત વર્ષીય બાળકી સહીત ત્રણ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

ભુજ તાલુકાનાં ધાણેટી ગામ ખાતે એક ખાનગી ફેક્ટરીમાં નિર્માણાધીન પાણીના ટાંકામાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની સાત વર્ષીય બાળકી સરિતા મૂળિયા વસુનિયાનું ડૂબી જવાથી મોત થયું હતું.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધાણેટીની સીમમાં આવેલી કેદાર કેઓલિન ફેક્ટરીમાં છેલ્લા ચારેક માસથી મજૂરી કરતા અને પરિવાર સાથે ત્યાં જ રહેતા મૂળ જાંબુઆ-મધ્યપ્રદેશના મૂળિયા શંભુ વાસુનિયાની સાત વર્ષીય પુત્રી સરિતા પ્લાન્ટ આસપાસ અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમ્યાન વરસાદી પાણીથી ભરાયેલા નિર્માણાધિન ટાંકામાં અકસ્માતે ડૂબી ગઇ હતી. એકાદ કલાકની શોધખોળ બાદ સરિતાને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ કરુણાંતિકા અંગે પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત અંજારમાં અગમ્ય કારણોસર પ્રવીણ ગણેશા ચૌધરી (ઉ.વ.૨૪)એ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તો ભચાઉ તાલુકાના ખારોઈમાં ઝેરી દવા પી જનારા રમેશ વિભા કોળી (ઉ.વ. ૪૭)એ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા, જયારે ગાંધીધામ-કંડલા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજય બાબુ ઠાકોર (કોળી) (ઉ.વ.૨૭)નું મૃત્યુ થયું હતું.

બીજી તરફ, અંજાર શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં રહેતા પ્રવીણ નામના યુવકે પોતાના ઘરમાં ગત સાંજે અજ્ઞાત કારણોસર ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ ખારોઈના વાળી વિસ્તારમાં બન્યો હતો જેમાં અહીં રહેતા રમેશે ગત રાત્રિના નવ વાગ્યા બાદ ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હતભાગીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આપણ વાંચો:  મેક ડોનાલ્ડસ પર એએમસીએ માર્યુ સીલ, એક જ જગ્યાએ બનાવતા હતા વેજ અને નોનવેજ…

દરમ્યાન, ગાંધીધામથી કંડલાને જોડતા માર્ગ પર આવેલા કાર્ગો આઝાદ નગર પાસે વિજય નામનો યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમ્યાન અજાણ્યા ભારે વાહનને તેમને ટક્કર મારી દેતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના ભાઈ દીપક બાબુ ઠાકોરની ફરિયાદના આધારે તપાસ આરંભી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button