ભુજઃ કચ્છમાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની અલગ-અલગ દુર્ઘટનાઓમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભુજના માધાપર ગામમાં મૂળ ઉત્તરપ્રદેશના હસનેન શકીલ અંસારી (ઉ.વ. ૧૭) નામના તરુણે, ગાંધીધામ શહેરમાં વિનોદ આલા વણકર (ઉ.વ.૪૦) તેમજ કલુબેન બાચારામ કોળી (ઉ.વ.૪૫)એ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધા હતા, જ્યારે ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતા આનંદ મંગલ ડુગરિયા (ઉ.વ. ૨૫) નામના યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું, બીજી બાજુ ખાવડા ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાં ક્રેન પડતાં અફઝલ જમાલુદ્દીન અંસારી (ઉ.વ.૨૩)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, માધાપર ખાતેના નવાવાસમાં આવેલાં પારસ નગરમાં રહેનાર હતભાગી હસનેન નામના તરુણે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણે પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દેતાં માધાપર પોલીસે ઘટના સંદર્ભે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ આદરી છે.
આ પ્રકારનો બીજો બનાવ ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં બન્યો હતો જેમાં અહીં રહેનાર વિનોદ નામના યુવકે પોતાના ઘરમાં ગત સવારે પંખામાં રસ્સી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસે બનાવ સંદર્ભે તપાસ આરંભી છે.
બીજી તરફ, ગાંધીધામ નજીક આવેલા મહેશ્વરી નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત ૩જી ઓક્ટોબરના રોજ બન્યો હતો, જેમાં કલુબેન નામના ચાર સંતાનોની માતાએ પોતાના ઘરમાં લોખંડના એન્ગલ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો.
અન્ય અકાળ મોતની ઘટનામાં ભુજ નજીકના કુકમા ગામમાં રહેનાર હતભાગી આનંદ ડુંગરિયા તળાવમાં ન્હાવા માટે ગયો હતો. લાંબા સમય સુધી તે પરત ન ફરતાં તેની શોધખોળ આદરવામાં આવી હતી જેમાં તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.
દરમ્યાન, ભુજ તાલુકાના સીમાવર્તી ખાવડા ખાતેના સોલાર પ્લાન્ટમાં કામ કરતી વેળાએ હતભાગી અફજલ પર તોતિંગ ક્રેન પડતાં દબાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે ખાવડા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…ઈટલી વૅકેશનના છેલ્લા દિવસે નાગપુરના હોટેલિયર અને પત્નીનાં અકસ્માતમાં મોત