કચ્છમાં 44,000થી વધુ વિદ્યાર્થી આપશે બોર્ડની પરીક્ષા, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
ભુજ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 14.26 લાખ છાત્રોના ફોર્મ ભરાયા છે જેમાં કચ્છ જિલ્લામાં 44,167 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે. ધોરણ-10ની પરીક્ષા માટે જિલ્લામાં 26946 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1925 અને સામાન્ય પ્રવાહમાં 15296 વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ છે.
આ પણ વાંચો: પૂરક પરીક્ષાની તકથી વિદ્યાર્થીની તકદીર બદલાઈ જશે ખરી?
13.75 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ ફર્યા ફોર્મ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની ૫રીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બોર્ડની પરીક્ષા માટે 13.75 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.
હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે ફેરફાર થવાની શક્યતા નહીવત છે. બોર્ડ દ્વારા નિયમિત ફી ઉપરાંત ત્રણ વખત લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યારબાદ પણ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા એકથી બે દિવસ મુદ્દત લંબાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસની ઉજ્જવળ તક…
દરમ્યાન, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સૌથી છેલ્લે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા હવે પરીક્ષાને લગતી અન્ય તૈયારીઓ હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.