કચ્છમાં સેંકડો રોકાણકારો સાથે ૩૫ કરોડથી વધુની ઠગાઈ કરનારી કંપનીનો મેનેજર અમદાવાદથી ઝડપાયો

ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના અંદાજિત ૧૨૦૦ જેટલા રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાના નામે ૩૫ કરોડથી વધુની ઠગાઈ આચરનારી અમદાવાદ સ્થિત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિ.નામની ખાનગી કંપનીના જનરલ મેનેજર એવા હસમુખ ડોડીયાને કચ્છ પોલીસે અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ઝડપી લઇ, એ-ડિવિઝન પોલીસ મથકના હવાલે કરી દેવામાં આવ્યો છે.
કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ હસમુખ ડોડીયાની ઉલટ તપાસ હાથ ધરવામાં આવશે જેમાં વિવિધ લલચામણી સ્કીમોના નામે કરોડોનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ આચરનારા યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન-ડાયરેક્ટર-એમડી રાજકુમાર રાય, ડાયરેક્ટરો રાહુલ રાય,ઉત્કર્ષ રાય સહિતના અન્ય આરોપીઓનો તાગ મેળવવા સહિતની તપાસ હાથ ધરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વ્યાપી આચરાયેલા બી.ઝેડ કૌભાંડની યાદ અપાવનારી આ ઘટનામાં અગાઉ કંપનીના હોદ્દેદારો વિરુદ્ધ જામનગર, રાજકોટમાં ગુનો નોંધાયો હતો, ત્યારબાદ કચ્છના ભુજ અને ગાંધીધામમાં પણ આ મામલે દાખલ થયેલી ફરિયાદના પગલે કચ્છ પોલીસે આ ફ્રોડ કંપનીના મેનેજર હસમુખ ડોડિયાની અટક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.