બેફામ વાહનો ચલાવતાનો ભોગ માણસ જ નહીં, મૂંગા જીવો પણ બને છેઃ જાણો કચ્છની ઘટના

ભુજઃ વડોદરામાં બેફામ બનેલા કારચાલકે એકસાથે ચારને ફંગોળી દીધા અને એક મહિલાનું મોતચ નિપજાવ્યાની ઘટનાએ દેશભરમાં રોષ ફેલાવ્યો છે. અભિનેત્રી જ્હાનવી કપૂરે પણ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી છે ત્યારે રોજ સતત અકસ્માતની ઘટનાઓમાં માણસોના તો મોત નિપજે છે, પરંતુ સાથે મૂંગા જીવો પણ તેનો ભોગ બને છે. ઘણીવાર વાહનોની હડફેટે આવીને જાનવરો જીવ ગુમાવે છે. આવી ઘટના ફરી બની છે.
કચ્છના ભારે વાહનોની અવર-જવરથી સતત ધમધમતા રહેતા સામખિયાળી-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-૮ પર સર્જાયેલી કરુણાંતિકામાં કટારીયા પાટિયા નજીક એક રાક્ષસી કદનું ટ્રેલર માર્ગ પરથી પસાર થઇ રહેલાં ઘેટાંના વાઘ (સમૂહ) પર ફરી વળતા ૨૬ અબોલ જીવના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતાં જયારે અન્ય ૬ ઘેટાંને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમને પશુ ચિકિત્સાલયમાં ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: ટ્રક બેફામ બનતા પાંચ નિર્દોષ પશુઓના જીવ લેવાયા
આ બનાવમાં માલધારીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. અલબત્ત તેને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનાને પગલે કચ્છથી મોરબી તરફ જતા વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
નિર્દોષ જીવોના પ્રાણ લીધા બાદ, વાહનને પડતું મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયેલા ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સામખિયાળી પોલીસે તપાસ શરૂ કરી છે.