કચ્છના છારીઢંઢમાં વિસ્તારમાં 25 કુંજ પક્ષીનો શિકાર; પોલીસે શિકારીનો પીછો કર્યો પણ…

ભુજ: આગવી જીવસૃષ્ટિ ધરાવતા પ્રદેશ કચ્છમાં વન્યજીવોના શિકાર કરવાની પ્રવૃતિ સતત વધી રહી છે. દેશ-દેશાવરથી આવેલા યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી રહેલાં કચ્છના મોટાં રણના આરક્ષિત છારીઢંઢ વિસ્તારમાં 25 જેટલાં કુંજ પક્ષીઓનો નિર્દયતાપૂર્વક શિકાર કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છના મોટા રણમાં સ્થિત છારી ઢંઢ આસપાસના આરક્ષિત વિસ્તારમાં ફાયરીંગ કરીને પક્ષીઓના શિકાર થતો હોવાની તેમને બાતમી મળી હતી. પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક બોલેરો ગાડીમાંમાં બેઠેલાં શિકારીઓ નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: અમરેલીના પાણીચા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો
પોલીસે શિકારીઓનો પીછો કર્યો હતો. દરમિયાન, શિકારીઓની બોલેરો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમાં સવાર તમામ શિકારીઓ દોડીને નાસી છૂટ્યાં હતાં.
મુદ્દા માલ જપ્ત:
પોલીસે વાહનની તલાશી લેતાં તેમાંથી 25 કુંજ પંખીના મૃતદેહ, એક દેશી બંદૂક, 24 જીવતાં અને ખાલી કારતૂસ, બે છરી, કુહાડી, એક મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યાં હતાં. પોલીસે બોલેરો ગાડી કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ અજ્ઞાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. શિકારીઓ કાયદેસર કાર્યવાહી કરવા કુંજ પંખીઓના મૃતદેહ તુગા રેન્જ ફોરેસ્ટરને સોંપવામા આવ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે, કુંજ (કોમન ક્રેન) વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શિડ્યુલ્ડ-1 હેઠળ આવતું સંરક્ષિત પંખી છે.