ભુજ

અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન

ખેડૂતોએ પાક ઉતારવાનું શરુ કર્યું, વનવગડામાં આંબે આવેલા મોર મહેક્યાં

ભુજઃ શિયાળા, ચોમાસુ હોય કે પછી ઉનાળો જ કેમ ના હોય, પણ કચ્છમાં તો બારેમાસ જીવન જીવવાનો લ્હાવો અનોખો છે. હાલમાં વાતાવરણમાં અચાનક પલટો થયો છે, જેમાંય ફેબ્રુઆરીના વિદાય વખતે જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. કચ્છ જિલ્લામાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસ અને રાતના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ૧૫-૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક ૩૬થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે. ગ્રીષ્મ ઋતુના આગમનના એંધાણ જાણે અત્યારથી જ વર્તાઈ રહ્યાં હોય તેમ વનવગડામાં આંબે આવેલા મોર મહેકી ઉઠ્યા છે. ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવાથી ખેડૂતોએ પાક ઉતારવો શરૂ કરી દીધો છે અને કચ્છની બજારોમાં કાચી કેરી પણ મળતી થઇ ગઈ છે.

આ પણ વાંચો: Tauktae વાવાઝોડા બાદ ઉના પંથકમાં આંબા પર મોર અને કેરી જોવા મળતા જગતનો તાત ખુશ

ભુજમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 16 ડિગ્રીનો તફાવત

રાત્રિથી વહેલી સવાર દરમિયાન પડી રહેલી ઠંડી લોકોને પંખા ધીમા કરવા મજબુર કરી રહી છે, માર્ગો રાત્રી દરમિયાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ મહા મહિનામાં ચૈત્ર માસ જેવી બપોરના ભાગે પડતી ગરમી જનજીવનને અકળાવી રહી છે. ભુજમાં આજે લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે ૧૬ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો.

દિવસે-ગરમી અને રાતના ઠંડીનો અનુભવ

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં ૨૦ ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો. કંડલા બંદરમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ, અંજાર આદિપુરમાં આંશિક ગરમી અનુભવાઈ હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૧૭-૧૮ ડિગ્રીની આસપાસ રહેતાં દિવસે ગરમી, રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે.

બેવડી ઋતુથી વધી બીમારી

બેવડી ઋતુના કારણે નાના બાળકો અને વૃદ્ધોની તબિયત પર વિપરીત અસર થઈ છે. શરદી-કફ ઉધરસ સહિતની બીમારીઓના કેસોમાં વ્યાપક ઉછાળો આવ્યો છે. વધતા તાપમાન વચ્ચે લોકોને (ખાસ કરીને બાળકો, સિનિયર સિટિઝન અને બીમાર દર્દીઓને) ગરમીમાં બહાર નહીં નીકળવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button