ભુજઃ મુંદરાના બારોઇમાં પતંગની દોરથી બે વર્ષના બાળકનું ગળું ચીરાઇ ગયું, માતાનું હૈયાફાટ રૂદન
ભુજઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે પહેલાં અને બાદમાં માનવો અને પશુ-પક્ષીઓ માટે કાતિલ બની ચુકેલી પતંગની દોરે અનેકના જીવનની દોર પણ કાપી લીધી હોય તેવી દુર્ઘટનાઓનો શરૂ થઇ ચુકેલો સિલસિલો જારી રહ્યો હોય તેમ સીમાવર્તી કચ્છના બંદરીય મુંદરા તાલુકાના બારોઇ ગામમાં પિતા સાથે મોટરસાઇકલ પર સવાર બે વર્ષના બાળકનું પતંગની ધારદાર દોરી વડે ગળું કપાઈ જતાં કંપારી છૂટે તેવું મોત નીપજતાં અરેરાટી પ્રસરી હતી. વ્હાલસોયાના મોતથી માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
મળેલી વિગતો મુજબ મૂળ પાલનપુર અને બારોઇમાં રહી અદાણી સોલાર પ્લાન્ટમાં કામ કરતા હાર્દિકભાઇ સોની ગત બપોરે ૧૨ વાગ્યા આસપાસ તેમનું દ્વિચક્રી વાહન લઇ બજાર નીકળ્યા હતા. હાર્દિકભાઇએ પાછળ તેના બે વર્ષના બાળક યુગને ઊભો રાખ્યો હતો. આ દરમિયાન માર્ગ વચ્ચે અદ્રશ્ય કાળની જેમ લટકતા પતંગના દોરાથી માસુમ બાળકનું ગળું ચીરાઇ જતાં ઘટનાસ્થળે જ આ કમકમાટીભર્યું મોત નીપજતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.
Also read: Kutch: મુંદરાના વડાલા ગામની નદીમાં અસંખ્ય માછલીઓના મોત
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહની મનાવવામાં આવ્યો હતો. બે દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ઘટનામાં 22 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદમાં 100થી વધુ લોકો દોરીથી ઘાયલ થયા હતા. આ વખતે ગળુ, આંખ, હાથ, આંગળી, પગ અને માથામાં ઇજાના કેસની સંખ્યા વધારે હતી. ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કેસમાં પણ ત્રણ ગણો વધારો થયો હતો. ઈએમઆરઆઈને 14 અને 15 જાન્યુઆરીએ અમદાવાદ સિટી અને રૂરલમાંથી 1150 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 15 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યા સુધીમાં 3300થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા હતા.