કચ્છના માધાપર,માંડવી અને ભચાઉમાં પોલીસના પ્રતિબંધિત ચાઈનીઝ દોરા પકડવા વ્યાપક દરોડા: ચાર સામે કાર્યવાહી
ભુજ: મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે માનવો અને પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વપરાશ અને વેંચાણને નાથવા રાજ્યસ્તરે ચાલી રહેલાં કોમ્બિંગ અંતર્ગત કચ્છના માધાપર, માંડવી તથા ભચાઉમાંથી આવી ચાઈનીઝ દોરાની ફીરકીઓના જથ્થાને પોલીસે જપ્ત કરી આરોપીઓ સામે જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: WATCH: Surat માં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, પોલીસ એક્શન મોડમાં
થોડા દિવસ પૂર્વે સ્થાનિક ગુન્હાશોધક શાખાએ માધાપરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફીરકીઓ પકડી પાડી હતી એ ઘટનાના ગણતરીના દિવસો બાદ ફરી માધાપરના બસ સ્ટેશન પાસે આરોપી રાજ સુધીર ઠક્કરને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની આઠ ફીરકી કિ.રૂા. ૪૦૦૦ના મુદામાલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત બંદરીય માંડવી શહેરના સાંજીપડી વિસ્તારમાંથી ધ્રુવ વાલજી હિરાણીના કબ્જામાંથી વેચાણ અર્થે રાખેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૮૦૦ રૂપિયાની ૭ ફિરકીઓ સાથે માંડવી પોલીસે ઝડપી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. બીજી તરફ, ભચાઉના કંથડનાથ દાદાના મંદિર પાસે પોલીસે કાર્યવાહી કરી ચાઈનીઝ દોરાને વેચાણ માટે આવેલા ગામના જ જયેશ વાલા વાઘેલા અને સકીર ભીખુ સોલંકીને પકડી રૂા.૪૦૦૦ની ૮ પ્રતિબંધિત એવી ફીરકી જપ્ત કરવામાં આવી હતી.