ભુજમાં 18 વર્ષની યુવતી પડી 540 ફૂટ ઊંડા બોરવેલમાં; યુવતીને બચાવવા તંત્ર ખડેપગે
ભુજ: બોરવેલમાં પડી જવાની ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ ભુજના કંઢેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી ઉંડા બોરવેલમાં પડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખડેપગે જોડાઈ છે. આ ઘટનામાં ગાંધીનગરથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાની હોય તેમને પણ જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. બોરવેલમાં પડી જવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સાથે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોચીને હાલ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
પાઇપ લાઈન મારફતે ઓક્સિજન
ફાયર વિભાગ દ્વારા હાલ યુવતીને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે બોરવેલનો અંદર દોરડું નાખીને યુવતીને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. યુવતીના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે બોરવેલમાંથી બચાવો બચાવો એવો અવાજ આવતો હતો, જો કે હાલ અંદરથી કોઈ અવાજ મળી રહ્યો નથી.
હાલ તંત્ર દ્વારા પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતનું વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર, જ્યાં થઈ રહ્યું છે 300થી વધારે ઝેરી સાપોનું સંશોધન!
ગાંધીનગરથી NDRFની ટીમની લેવાશે મદદ
આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં પડી ગયા બાદ થોડા સમય સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે ગાંધીનગરથી પણ NDRFની ટીમને બોલાવવામાં આવી છે.